Amala Paul: સાઉથની જાણીતી અભિનેત્રી અમલા પોલને કેરળના એક હિંદુ મંદિરમાં પ્રવેશવા દેવામાં આવી ન હતી. જેને પગલે અભિનેત્રીએ આરોપ લગાવ્યો છે કે "ધાર્મિક ભેદભાવ" ને કારણે તેને કેરળના એર્નાકુલમમાં તિરુવૈરાનીકુલમ મહાદેવ મંદિરમાં પ્રવેશતા અધિકારીઓ દ્વારા રોકવામાં આવી હતી.


મંદિરમાં માત્ર હિન્દુઓને જ પ્રવેશ આપવામાં આવે છે


અમલા પોલ સોમવારે મંદિર ગઈ હતી. તેનું એવું કહેવું છે કે મંદિરના સત્તાવાળાઓએ રીત રિવાજોનો હવાલો આપીને કહ્યું કે આ મંદિરમાં માત્ર હિન્દુઓને જ પ્રવેશ આપવામાં આવે છે અને તેને દર્શન કરતા અટકાવી દીધી હતી. અભિનેત્રીએ બાદમાં દાવો કર્યો હતો કે તેને મંદિરના સામેના રસ્તા પરથી દેવીની એક ઝલક જોવા માટે મજબૂર કરી હતી અને મંદિરની અંદર પ્રવેશવા પર અટકાવી હતી


અમલાએ મંદિરના વિઝિટર રજિસ્ટરમાં અનુભવ લખ્યો


અમાલા પોલે મંદિરના મુલાકાતીઓના રજિસ્ટરમાં પોતાનો અનુભવ શેર કરતા કહ્યું કે તેણીએ "દેવીને જોયા વિના પણ આત્માનો અનુભવ કર્યો." અમાલા પોલે મંદિરના મુલાકાતીઓના રજિસ્ટરમાં લખ્યું છે કે, "તે દુઃખદ અને નિરાશાજનક છે કે ધાર્મિક ભેદભાવ 2023માં પણ અસ્તિત્વમાં છે. હું દેવતાની નજીક ન જઈ શકી પરંતુ દૂરથી ભાવના અનુભવી શકી. મને આશા છે કે ધાર્મિક ભેદભાવ ટૂંક સમયમાં બદલાવ આવશે. જલ્દી સમય આવશે જ્યારે આપણે બધા સાથે સમાન વ્યવહાર કરીશું, ધર્મના આધારે નહીં.


મંદિર પ્રશાસન પર ઉઠી રહ્યા છે પ્રશ્નો


બીજી તરફ તિરુવૈરાનીકુલમ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા સંચાલિત મંદિર પ્રશાસન આ ઘટના સામે આવ્યા બાદથી શંકાના દાયરામાં છે. મંદિરના સત્તાવાળાઓએ કહ્યું કે તેઓ ફક્ત હાલના પ્રોટોકોલનું પાલન કરી રહ્યા છે. ટ્રસ્ટના સેક્રેટરી પ્રસૂન કુમારે જણાવ્યું હતું કે, "અન્ય ઘણા ધર્મોના ભક્તો મંદિરમાં દર્શન કરવા આવ્યા છે.  પરંતુ આ વાત કોઈને ખબર નથી. જો કે જ્યારે કોઈ સેલિબ્રિટી આવે છે ત્યારે તે વિવાદાસ્પદ બની જાય છે."


કોણ છે અમલા પૉલ ?


અહેવાલો અનુસાર અમલા પોલનો જન્મ એક ખ્રિસ્તી પરિવારમાં થયો છે. તમને જણાવી દઈએ કે અમલા પોલ દક્ષિણ ભારતની પ્રખ્યાત અભિનેત્રી છે. તેણે તમિલમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. અમલાએ નાગા ચૈતન્ય, રામ ચરણ, અલ્લુ અર્જુન જેવા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. અમલા ટૂંક સમયમાં અજય દેવગનની ફિલ્મ 'ભોલા'માં જોવા મળશે.