મુંબઈઃ વર્ષ 2018માં બોલિવૂડ એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ બોલિવૂડમાં #MeToo મૂવમેન્ટની શરૂઆત કરી હતી. તનુશ્રીએ ફિલ્મ ‘હોર્ન ઓફ પ્લીઝ’ના સેટ પર તેની સાથે શોષણ અને દુર્વ્યવહાર કર્યા હોવાનો આરોપ લગાવ્યા હતા. તનુશ્રીના ખુલાસા બાદ #MeToo મેવમેન્ટ હેઠળ બોલિવુડમાં શોષણની કેટલીક અન્ય કહાનીઓ બહાર આવવા લાગી હતી અને એક પછી એક જાણીતિ હસ્તીઓના નામ સામે આવ્યા.


ત્યારે હવે #metoo અભિયાનની પ્રણેતા તનુશ્રી દત્તાના વકીલ નિતિન સતપુતે પર મુંબઈમાં પોલીસે છેડછાડની ફરીયાદ નોંધી કેસ દાખલ કર્યો છે. તનુશ્રીના વકીલ પર એક મહિલાએ છેડછાડ અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરી હોવાની ફરીયાદ કરી છે.



પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે, રાજ્ય મહિલા આયોગ કાર્યાલય પાસે ઘટેલી ઘટનામાં 47 વર્ષની પીડિતાએ આરોપ લગાવ્યો છે કે, નિતિન સતપુતે તેમના પર અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો. પીડિતાએ પોલીસ ફરીયાદમાં જણાવ્યું હતું કે, 2 નવેમ્બરના દિવસે બાળકો માટે એક બગીચો બનાવવાની બાબત પર તેમની નિતિન સતપુતે સાથે ટક્કર થઈ હતી. જેથી સતપુતેએ પીડિતાને તેના મોબાઈલ પર ફોન કરી તેણી સાથે દુર્વ્યવહાર કર્યો હતો. જે બાદ પીડિતાએ 4 નવેમ્બરના રોજ રાજ્ય મહિલા આયોગમાં આ મામલે ફરીયાદ દાખલ કરી હતી. રિપોર્ટ પ્રમાણે પોલીસે નીતિન સાતપુતે વિરુદ્ધ કલમ 354 A હેઠળ ગુનો નોંધ્યો છે. આ સિવાય આઈપીસીની ઘણી કલમ પણ લગાવવામાં આવી છે.


આપને જણાવી દઈએ કે આ પહેલા વર્ષ 2018માં ફિલ્મ ‘હોર્ન ઓફ પ્લીઝ’ના સેટ પર તનુશ્રીએ દિગ્ગજ એક્ટર નાના પાટેકર પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. જોકે બીજી તરફ નાનાએ પોતાના ઉપર લાગેલા બધા આરોપ ફગાવ્યા હતા. ત્યાર બાદ આ મામલે તપાસ થઈ અને નાના પાટેકરને ક્લીન ચિટ મળી. જોકે તનુશ્રી દત્તા આ વાતથી ખુશ નહોતી અને તેને મુંબઈ પોલીસના નિર્ણયને ખોટો ગણાવ્યો અને 2019માં તનુશ્રીના વકીલે પોલીસની બી સમરી રિપોર્ટ સામે અંધેરીના એક મજિસ્ટ્રેટ કોર્ટમાં પેટિશન દાખલ કરાવી હતી.