મુઝફ્ફરપુર જિલ્લા મથકે 49 ફિલ્મકારો સામે એફઆઇઆર દાખલ થઈ છે. કોર્ટે આદેશ આપ્યા પછી એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. ભાજપ પ્રવક્તા સુધીર ઓઝાએ આ ફિલ્મ કલાકારો વિરુદ્ધ 27 જુલાઈ 2019ના રોજ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
કેસની હકીકત એવી છે કે તે તમામ ફિલ્મ નિર્માતા કે કલાકારોએ દેશમાં અસહિષ્ણુતા અને ઉન્માદી હિંસા વધી હોવાને મુદ્દે વડા પ્રધાનને પત્ર લખ્યો હતો. અહેવાલો મીડિયામાં આવતાં પક્ષ પ્રવક્તા સુધીર ઓઝાએ દેશમાં ચાલી રહેલા એક ષડયંત્રના ભાગરૂપે વિદેશમાં બદનામી કરવા આવી ફરિયાદો થઈ રહી હોવાની રજૂઆત કરી હતી.
વડા પ્રધાનને લખેલા પત્રમાં અનુરાગ કશ્યપ, કેતન મહેતા, શ્યામ બેનેગલ, રામચંદ્ર ગુહા, શોભા મુદગલ, અપર્ણા સેન, કોંકણા સેન સુધીની ફિલ્મી અભિનેતા-અભિનેત્રીના હસ્તાક્ષર હતા.
પત્રમાં લખવામાં આવ્યું હતું કે દેશમાં ધર્મ, જાતિ ભેદભાવ, મોબ લિંચિંગ જેવી ઘટના વધી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો પત્રમાં ઉલ્લેખ કરતાં પત્રમાં કહેવામાં આવ્યું હતું કે વડા પ્રધાને સંસદમાં મોબ લિંચિંગનો ઉલ્લેખ જરૂરથી કર્યો પરંતુ આવા ગંભીર વિષયને સંસદમાં ઉછાળવો તે પૂરતું નથી.