નરેન્દ્ર મોદીએ સૌથી લાંબી ચાલનારી સીરિયલ ‘સીઆઈડી’ના સર્જકને આપ્યો આ મોટો હોદ્દો, જાણો વિગત
2004માં શરૂ થયેલી સીઆઇડી સિરિયલ થોડા સમય પહેલાંજ સમેટાઇ ગઇ હતી. સિંહ પોતે પણ પૂણેની ફિલ્મ ઇન્સ્ટીટયુટના ગ્રેજ્યુએટ છે. એમણે 1973ના બેચમાં સિનેમેટોગ્રાફી વિષયમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. સિંહ લાંબા સમયથી ફિલ્મ નિર્માણ ક્ષેત્રે સક્રિય છે.
મુંબઇઃ ટેલિવિઝન પર સૌથી લાંબો સમય ચાલેલી સીરિયલ સીઆઇડી જેવી બનાવનારા સર્જક બી પી સિંહને પૂણેની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટીટયુટના વડા બનાવવામાં આવ્યા છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સિંહને આ મહત્વનો હોદ્દો આપતાં આશ્ચર્ય સર્જાયું છે.
આ પહેલાં સિનીયર અભિનેતા અનુપમ ખેર આ સંસ્થાના વડા હતા. પોતાની ફિલ્મો અને ટીવી શૉમાં સતત વ્યસ્ત રહેતા અનુપમ ખેર સંસ્થાને પૂરતો સમય ફાળવી શકતા નહોતા એટલે તાજેતરમાં તેમણે રાજીનામું ધરી દીધું હતું. અનુપમ હાલ અમેરિકામાં એક ટીવી સીરિયલમાં ન્યૂરોફિઝિશીયનનો રોલ કરી રહ્યા છે.
બી.પી. સિંઘનું પૂરૂં નામ બ્રજેન્દ્ર પાલ સિંહ છે. સિંહ આહટ તથા સીઆઇડી જેવી સીરિયલો પોતાના ફાયરવર્કસ્ બેનર તળે બનાવી ચૂક્યા છે. સીઆઇડી માટે તો લિમકા બુક ઑફ રેકોર્ડઝ્માં સૌથી લાંબો સમય ચાલનારી ટીવી સિરિયલના સર્જક તરીકે તેમનો ઉલ્લેખ થયો છે. સિંહે સિંગલ ટેકમાં સીઆઇડીના એકસો અગિયાર એપિસોડ્સ શૂટ કર્યા હતા.
પૂણેની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટીટયુટ સ્વાયત્ત સંસ્થા છે પણ તે કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ આવે છે. ભારત સરકારની આર્થિક સહાયથી ચાલતી આ સંસ્થાના વડાની નિમણૂક ભારત સરકાર કરે છે. આ પહેલાં મોદી સરકારે ગજેન્દ્ર ચૌહાણ અને અનુપમ ખેરને આ હોદ્દા પર નિમ્યા હતા.