Code Name Tiranga Review: code name tiranga ફિલ્મના નામથી ખ્યાલ આવી જાય છે કે, ફિલ્મનું કથાનક કોઇ એજન્ટનું છે. જે દેશ માટે કોઇ મિશન પર જઇ રહ્યો છે. જો કે આ ફિલ્મમાં મિશન પર હિરો નહિં પરંતુ હિરોઇન જઇ રહી છે. આ ફિલ્મની ખાસિયત છે. આ ફિલ્મ ખૂબ જ સારા કલાકારોને લઇને બનાવવામાં આવી છે પરંતુ ફિલ્મ જોઇને એવું લાગશે કે, બસ હિરોની જગ્યાએ હિરોઇન આવી ગઇ છે.
ફિલ્મની કહાણી દુર્ગા નામની એજન્ટની છે. જે વિદેશમાં એક મિશન પર છે. જે પરિણીતી ચોપડાને ભજવી રહી છે. આતંકવાદીને પકડવાનું એક મિશન અને આ મિશન દરમિયાન હાર્ડી સંધૂ મળે છે અને પછી શું થાય છે એ આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મ વિશે બીજું કઇ વિશેષ કહેવા જેવું નથી. સ્વાભાવિક છે કે, આ રીતે મિશન પૂર્ણ થઇ જાય છે. જો કે આ બાદ આપ પણ એક નવી સારી કહાણી શોધવાના મિશન પર લાગી જાવ છો. ફિલ્મની કહાણીમાં ખાસ કોઇ નાવીન્ય ન હોવાથી દર્શકોને જકડી રાખે તેવું કંઇ ખાસ નથી. આ ફિલ્મની બસ આ જ એક કમી છે.
એક્ટિંગની વાત કરીએ તો પરિણીતી ચોપડાએ કમાલનું કામ કર્યું છે. એક્શન અવતારમાં તે જોવા મળે છે. બુર્કામાં એ જે એક્શન કરે છે. તે જોવાની ચોક્કસ મજા આવશે. આ ફિલ્મમાં એકશનની સાથે તેણે ઇમોશનલ સીન્સ પણ બખૂબ પ્લે કર્યો છે. ફિલ્મ જોઇને આપને લાગશે કે, પરિણીતીએ આ ફિલ્મ માટે મહેનત તો ખૂબ કરી છે. આ ફિલ્મમાં હિરોને બદલે હિરોઇન એક્શન મોડ પર છે એ ફિલ્મને યુનિક બનાવે છે. હાર્ડી સંધૂ એ તેની ભૂમિકા સારી રીતે અદા કરી છે. જેમાં આપને ક્યાંય પણ લૂક કે ડાયલોગ ડિલિવરીમાં પંજાબી સિંગર કે એક્ટરવાળો અંદાજ નહીં જોવા મળે. ફિલ્મમાં શરદ કેલકર મેઇન વિલનની ભૂમિકામાં છે અને તેની સ્ક્રિન પ્રેઝન્સ પણ ગજબ છે. રજીત કપૂર પણ સારું કામ કર્યું છે. દિવ્યેદ્રુ ભટ્ટાચાર્ય એ પણ સારી એક્ટિંગ કરી છે. એક્ટિંગ દરેક કલાકારની લાજવાબ છે. પરંતુ આ દમદાર એક્ટર્સને જે રીતના ડાયલોગ્સ અને કહાણી આપવામાં આવી છે તે જોતા તે વધુ પ્રભાવશાળી નથી બની રહ્યું.
ફિલ્મની સિનેમેટોગ્રાફી બેસ્ટ છે. લોકેશન પણ શાનદાર છે. મ્યુઝિક પણ પ્રભાવિત કરી દે છે.આ ફિલ્મની સૌથી મોટી મર્યાદા તેની કહાણી જ છે. જેના ફિલ્મમાં દર્શક કદાચ છેલ્લે સુધી ટવિસ્ટ કે ટર્નની આશા રાખશે પરંતુ આ વસ્તુની રાહ જોતાની સાથે થિયેટર બહાર જવાનો સમય આવી જશે.
ડાયરેક્ટર રિભુદાસ ગુપ્તાએ આ પ્રકારની ફિલ્મ બનાવવા માટે પહેલા થોડી મહેનત કરવી જોઇતી હતી. ડાયરેક્ટરે કાસ્ટિંગ તો સારૂ કર્યું છે એક્ટિંગ પણ સારી કરાવી છે પરંતુ કહાણીનો કોડ ગાયબ થઇ ગયો છે.ફિલ્મને રેટિંગ 5માંથી 2.5 સ્ટાર મળી શકે. (જેમાં અડધો સ્ટાર માત્ર પરિણીતીના અભિનયને)