મુંબઈઃ જાણીતી સંગીતકાર જોડી સાજિદ-વાજિદના વાજિદ ખાનનું રવિવારે રાત્રે લાંબી બીમારી બાદ મોત થયું છે. 43 વર્ષીય વાજિદનું મોત મુંબઈના ચેમ્બૂર સ્થિત સુરરાણા સેઠિયા હોસ્પિટલમાં થયું, જ્યાં તે કિડની અને ગળામાં ઇન્ફેક્શન હોવાને કારણે છેલ્લા અઢી-ત્રણ મહિનાથી ભરતી હતી. સૂત્રો અનુસાર છેલ્લા ત્રણ દિવસોથી વાજિદ વેન્ટિલેટર પર હતા અને તેની સ્થિતિ ખૂબ જ ગંભીર થઈ ગઈ હતી.

અહેવાલ છે કે કિડની અને ગળામાં ઇન્ફેક્શનને કારણે હોસ્પિટલમાં ભરતી થયેલ વાજિદને છેલ્લાં ઘણાં દિવસ પહેલા કોરોનાનો ચેપ લાગ્યો હતો. પરંતુ અટકળો છે કે હાર્ટ એકેટને કારણે તેનું મોત થયું છે. વિતેલા વર્ષે પણ વાજિદને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યાર બાદ તેની એન્જિઓપ્લાસ્ટી કરવામાં આવી હતી.


વાજિદ ખાનના નિધનની પુષ્ટિ સિંગર સલીમ મર્ચેંટએ સોશિયલ મીડિયા પર કરી હતી. તેમણે લખ્યું કે 'સાજિદ-વાજિદ ફેમ મારા ભાઇ વાજિદના નિધનના સમાચારથી મને ઉંડો આધાત છે. ભાઇ, તમે ખૂબ જલદી ગયા. આ આપણા કુંટુબના લોકો માટે મોટો આંચકો છે. હું તૂટી ગયો છું.''

વાજિદના નિધનથી બોલીવુડમાં શોકની લહેર છે. પ્રિયંકા ચોપડા, સોનૂ નિગમ, સલીમ મર્ચેંટ સહિત ઘણી બોલીવુડ હસ્તીઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.


ફિલ્મ અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ વાજિદ ખાનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પ્રિયંકાએ ટ્વિટ કરીને લખ્યું કે ''દુખદ સમાચાર. એક વાત જે મને હંમેશા યાદ રહેશે તે વાજિદ ભાઇની સ્માઇલ, હંમેશા હસતા રહેતા હતા. ખૂબ જલદી જતા રહ્યા. તેમના પરિવાર અને શોક વ્યક્ત કરનાર લોકો પ્રત્યે મારી સંવેદના. તમારી આત્માને શાંતિ મળે મારા મિત્ર.

સાજિદ-વાજિદે કારકિર્દીની શરૂઆત 1998 માં સલમાન ખાન અભિનિત ફિલ્મ પ્યાર કિયા તો ડરના ક્યાથી કરી હતી. આ પછી આ જોડીએ એક પછી એક હિટ ફિલ્મો માટે સંગીત આપ્યું હતું. જેમાં ચોરી ચોરી, હેલો બ્રધર, મુઝસે શાદી કરોગી, વોન્ટેડ, દબંગ (1,2 અને 3) જેવી ફિલ્મ્સ શામેલ છે. સાજિદ-વાજિદ જોડીએ તાજેતરમાં સલમાન ખાન માટે ‘ભાઈ-ભાઈ’ કમ્પોઝ કર્યું હતું. વાજિદ ખાને એક ગાયક તરીકે 2008 માં ફિલ્મ પાર્ટનર માટે પણ સોન્ગ ગાયું હતું.