નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીના જીવન પર બનેલી ફિલ્મ 24 મેના રોજ રીલિઝ થશે. અમદાવાદમાં આ ફિલ્મનું સ્ક્રીનિંગ યોજાશે. નોંધનીય છે કે 23 મેના રોજ લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થઇ જશે. તમામ એક્ઝિટ પોલમાં એ વાતનો સંકેત આપવામાં આવી રહ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારે બહુમત સાથે ફરીવાર કેન્દ્રમાં સરકાર બનાવવા જઇ રહ્યા છે. એ વાતને ધ્યાનમાં રાખીને એક્ટર વિવેક ઓબેરોયે ફિલ્મ PM Narendra Modiનું નવું પોસ્ટર જાહેર કર્યું છે. આ પોસ્ટરમાં વિવેક ઓબેરોયને શંખ વગાડતો જોઇ શકાય છે. નોંધનીય છે કે આ ફિલ્મનું ડિરેક્શન ઉમંગ કુમારે કર્યું છે.

આ ફિલ્મના નિર્માતા સંદીપ સિંહ છે. આ ફિલ્મને લઇને અગાઉ અનેક વિવાદ પેદા થઇ ચૂક્યા છે. આ ફિલ્મની રીલિઝનો વિવાદ સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચ સુધી પહોંચી ચૂક્યો છે. ત્યારબાદ ચૂંટણી પંચે આ ફિલ્મની રીલિઝ પર લોકસભા ચૂંટણી પૂર્ણ ના થાય ત્યાં સુધી પ્રતિબંધ લગાવી દીધો છે.

અંતમાં આ ફિલ્મ 24 મેના રોજ રીલિઝ થવા જઇ રહી છે. અગાઉ આ ફિલ્મ પાંચ એપ્રિલના રોજ રીલિઝ થવાની હતી પરંતુ વિપક્ષ પાર્ટીઓએ ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી ત્યારબાદ ચૂંટણી પંચે નિર્માતાઓને નોટિસ મોકલી હતી. બાદમાં ચૂંટણી પંચે આચાર સંહિતાને ધ્યાનમાં રાખીને ફિલ્મની રીલિઝ પર રોક લગાવી દીધી હતી. ફિલ્મમાં વડાપ્રધાન મોદીના બાળપણથી લઇને વડાપ્રધાન બનવા સુધીની સફરને કવર કરવામાં આવી છે.