નવી દિલ્હીઃ કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે મોદી સરકાર લોકડાઉનના નિયમો હળવા કરવા માટે અનલોક-2ની તૈયારીમાં લાગેલી છે. આ બીજા તબક્કામાં સ્કૂલ-કોલેજો ખૂલશે કે નહીં એ અંગે અટકળો ચાલી રહી છે ત્યારે કેન્દ્ર સરકારે ઓક્ટોબર મહિના સુધી સ્કૂલોને ખોલવામાં નહીં આવે એવો નિર્ણય લીધો હોવાના અહેવાલ છે. કેન્દ્ર સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલયે આરોગ્ય નિષ્ણાતો સાથે ચર્ચા કર્યા બાદ સ્કૂલોને ઓક્ટોબર સુધી નહીં ખોલવાનો નિર્ણય લીધો હોવાના અહેવાલોને સરકાર કે મંત્રાલય દ્વારા સત્તાવાર રીતે સમર્થન નથી અપાયું પણ આ વાતનો ઈન્કાર પણ નથી કરાયો એ જોતાં ટૂંક સમયમાં આ પ્રકારની જાહેરાત થવાની શક્યતા છે.
આ અહેવાલો પ્રમાણે માનવ સંશાધન મંત્રાલયે ઓનલાઇન અભ્યાસક્રમો શરૂ કરવાને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો છે. સ્કૂલો દ્વારા ઓનલાઇન ક્લાસ ચલાવવામાં આવે અને શક્ય એટલા મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓને તેની સાથે જોડવામાં આવે તેવા આદેશો આપવામાં આવ્યા છે. મંત્રાલયે આ પહેલાં ઓગસ્ટ મહિના સુધી સ્કૂલો નહીં ખોલવામાં આવે તેવા સંકેતો આપ્યા હતા. હવે આ મુદત ઓક્ટોબર સુધી લંબાવાઈ હોવાના સંકેતો સૂત્રો દ્વારા મળ્યા છે.
દેસમા છેલ્લા કેટલાક મહિનામાં દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર અને અન્ય કેટલાંક રાજ્યોમાં કોરોના વાયરસના કેસો બહુ જ ઝડપથી વધી રહ્યા છે. આ કારણે માનવ સંશાધન મંત્રાલયે ઓક્ટોબર મહિના સુધી સ્કૂલો નહીં ખોલવાનું નક્કી કર્યું હોવાનું સૂત્રો ઉમેરે છે. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર ખટરો ટાળવા અને કોરોના વાઇરસ ફેલાતો અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવી રહ્યો હોવાના રિપોર્ટ છે. વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખરાબ ન થાય અને તેઓને યોગ્ય રીતે ઓનલાઇન શિક્ષણ પણ મળતું રહે તે દિશામાં પણ પ્રયાસો થઇ રહ્યા છે.