નીતૂ કપૂરે ઋષિ કપૂરની તસવીર શેર કરીને કેપ્શનમાં લખ્યું, "આપણી કહાનીનો અંત." આ સાથે નીતૂ કપૂરે દિલની ઈમોજી પણ શેર કરી છે. નીતૂની આ પોસ્ટ પર સેલેબ્સ અને ફેન્સ તેને સાંત્વના આપી રહ્યા છે અને ઋષિ કપૂરની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.
બોલિવૂડના પીઢ અભિનેતા ઋષિ કપૂરનું 67 વર્ષની વયે ગુરુવાર, તા. 30 એપ્રિલ, 2020ના રોજ મુંબઈની એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં નિધન થયું હતું. અમિતાભ બચ્ચને તેમના નિધનની પુષ્ટિ કરી હતી. ઋષિ કપૂર લાંબા સમયથી કેન્સરથી પીડિત હતાં. વિવિધ શારીરિક તકલીફના કારણે તેમને 29 એપ્રિલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તેમની તબિયત ગંભીર થતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતાં. જોકે, રાતના ત્રણ વાગે તેમણે રિસ્પોન્ડ કરવાનું બંધ કરી દીધું હતું અને તેમને 8.45 વાગે મૃત જાહેર કરવામાં આવ્યા હતાં.
ઋષિ કપૂરના મરીન લાઈન્સના ચંદનવાડી સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ગુરુવારે બપોરે 3.45 કલાકે તેમનો પાર્થિવ દેહ સ્મશાન ઘાટ પહોંચ્યો હતો. ઈલેક્ટ્રીક સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સ્મશાન પહોંચ્યાના આશરે અડધા કલાકની અંદર જ ઋષિ કપૂરની અંતિમ સંસ્કારની પ્રક્રિયા પૂરી થઈ ગઈ હતી. પુત્ર રણબીર કપૂરે પિતાના અંતિમ સંસ્કારની વિધિ પૂરી કરી હતી.
સ્મશાન ગૃહમાં પરિવારના સભ્યો નીતૂ કપૂર, પુત્ર રણબીર કપૂર, ભાઈ રણધીર કપૂર, રાજીવ કપૂર અને ભત્રીજી કરીના કપૂર ઉપરાંત સૈફ અલી ખાન, રીમા જૈન, મનોજ જૈન, આદર જૈન, અનીષા જૈન, બિમલ પારીખ, નતાશા નંદન, અભિષેક બચ્ચન, ડોક્ટર તંરગ, આલિયા ભટ્ટ, અયાન મુખર્જી, રોહિત ધવન, રાહુલ રવૈલા હાજર રહ્યા હતા.