નવી દિલ્હીઃ Metoo કેમ્પેઈનના કારણે વિવાદોમાં ઘેરાયેલા સિંગર અને કમ્પોઝર અનુ મલિક પર ફરી એકવાર અયોગ્ય વ્યવહાર કરવાનો આરોપ લાગ્યો છે. આ વખતે તેના પર આ આરોપ સિંગર નેહા ભસીને લગાવ્યો છે. જણાવી દઈએ કે, આના પહેલા અનુ મલિક પર સિંગર સોના મોહાપાત્રા અને શ્વેતા પંડિત યૌન શોષણનો આરોપ લગાવી ચૂક્યાં છે.


અસલમાં, સોના મોહાપાત્રાએ થોડા દિવસો પહેલા ઘણા ન્યૂઝપેપરના કટિંગ્સ શેર કર્યા હતા. આની સાથે તેણે લખ્યું, ‘શું ભારતને જગાડવા માટે નિર્ભયા કાંડની જરૂર છે?’ કટિંગ્સને ટાંકીને તેણે કહ્યું હતું કે, ‘આના થોડા દિવસ બાદ મને જજની ખુરશી છોડવા માટે કહેવામાં આવ્યું. મારા કો-જજે મને કહ્યું કે, જો પબ્લિસિટી મેં અનુ મલિકને આપી છે તેનાથી અમારા હરિફ શોઝની TRP વધી ગઈ છે. એક વર્ષ બાદ યૌન શિકારી તે જ સીટ પર ફરીવાર આવી ગયો.’



સોનાના ટ્વીટનો જવાબ આપતા નેહાએ લખ્યું હતું કે, 'હું તમારી સાથે છું. આપણે એક ખુબ જ લિંગભેદ કરનારી દુનિયામાં રહીએ છીએ. અનુ મલિક એક ભક્ષક છે. હું પણ 21 વર્ષની ઉંમરમાં તેમની અજીબ હરકતોને જોઇને ત્યાંથી ભાગી આવી હતી. મેં પોતાની જાતને એક વિકટ પરિસ્થિતિમાં જતા રોકી હતી. તે મારી સામે એક સોફા ઉપર પડીને એક સ્ટુડિયોમાં મારી આંખો વિશે વાત કરતા હતા. ત્યારબાદ હું ખોટું બોલીને ત્યાંથી ભાગી આવી હતી.'


નેહાએ લખ્યું છે કે, 'મે એ ખોટું બોલ્યું હતું કે મારી મા નીચે મારી રાહ જોઇ રહી છે. અને હું ત્યાંથી ભાગી આવી હતી. ત્યારબાદ તેમણે મને મેસેજ અને ફોન પણ કર્યો હતો. પરંતુ મેં તેમને પ્રતિક્રિયા આપવાનું બંધ કરી દીધું હતું. હું તેમને એક સીડી આપવા માટે ગઇ હતી, મને એક ગીત ગાવાની તકની અપેક્ષા હતા. તેઓ ઉંમરમાં મોટા હતા અને તેમણે જે પ્રકારે વર્તન કરવું જોઇએ એવું ન હતું. અનુ મલિક એક વિકૃત માનસિકતાવાળા વ્યક્તિ છે.'






સમાજ પર સવાલ ઉઠાવતા નેહાએ ટ્વીટ કર્યું, ‘શું આપણને અહેસાસ છે કે, તેમણે અમારી ગરિમા સાથે રમત કરવાની તાકત એ જ આપે છે, તે અમને ઘરમાં છૂપાવવા માટે મજબૂર કરે છે. મારે ઘણીવાર છૂપાવું પડ્યું જેથી એવી સ્થિતિમાં પોતાને ન જોઉં. આ કેવી રીતે યોગ્ય છે? એક એવો શખસ જેને ખોટું કર્યું છે, તે આઝાદ છે અને ખુલ્લો ફરી શકે છે અને અમારે (મહિલાઓને) ડર સાથે છૂપાવું પડે છે.’