Miss Universe 2023:નિકારાગુઆની શેનીસ પેલેસિયોસ મિસ યુનિવર્સ 2023 બની છે. અલ સાલ્વાડોરના જોસ એડોલ્ફો પિનેડા એરેના ખાતે 72મી મિસ યુનિવર્સ સૌંદર્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. નિકારાગુઆ, ઑસ્ટ્રેલિયા અને થાઈલેન્ડેના ઉમેદવારોએ ટોપ ત્રણમાં સ્થાન મેળવ્યું હતું, પરંતુ શેનીસ પેલેસિયોસે મેદાન મારતા મિસ યુનિવર્સ 2023નો ખિતાબ પોતાને નામ કર્યો છે. જ્યારે ભારતીય ઉમેદવાર શ્વેતા શારદા સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઈ હતી અને તેમને ટોપ 20માં સ્થાન મેળવ્યું હતું પરંતુ તે તાજ ન જીતી શકી. શ્વેતા શારદા . સ્વિમ સૂટ રાઉન્ડ પછી ટોપ 10 પર હતી.
ભારતીય ઉમેદવાર શ્વેતા શારદા
જેઓ અજાણ છે તેમના માટે, શ્વેતા શારદા, જેણે ટોચના 20 માં સ્થાન મેળવ્યું છે, તે 23 વર્ષની ચંદીગઢમાં જન્મેલી મોડેલ છે જેને મિસ ડિવા યુનિવર્સનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. ગયા વર્ષે, શ્વેતા અન્ય 15 સ્પર્ધકોની વચ્ચે રહી હતી અને મુંબઈમાં સમારોહમાં પ્રખ્યાત મિસ ડિવા યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો. તાજ પહેરાવવાની ક્ષણ વિશેષ હતી કારણ કે તેણીને ગયા વર્ષની વિજેતા દિવિતા રાય તરફથી સન્માન મળ્યું હતું. શારદાનો જન્મ ચંદીગઢમાં થયો હતો પરંતુ તે 16 વર્ષની ઉંમરે મુંબઈ આવી ગઇ હતી. તેમણે ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી છે અને વ્યવસાયે એક મોડેલ તેમજ નૃત્યાંગના છે.
મિસ યુનિવર્સ 2023
આ વખતે મિસ યુનિવર્સની પસંદગી માટે સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને અલગ-અલગ તબક્કામાંથી પસાર થવું પડ્યું હતું. જેમાં ઇવનિંગ ગાઉન, સ્વિમવેરમાં પ્રેઝન્ટેશન સાથે પર્સનલ સ્ટેટમેન્ટ, ઇન્ટરવ્યુંનો સમાવેશ થાય છે.જેની મે જેનકિન્સ અને મારિયા મેનોનોસ અને ભૂતપૂર્વ મિસ યુનિવર્સ ઓલિવિયા કુલપો દ્વારા સૌથી વધુ રાહ જોવાતી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રખ્યાત 12 વખતના ગ્રેમી વિજેતા જ્હોન લિજેન્ડે પણ તેમના સંગીતથી આયોજનમાં ચારચાંદ લગાવતા સૌને મંત્રમુગ્ધ કરી દીધી હતી. આ વર્ષે મિસ યુનિવર્સ સ્પર્ધામાં લગભગ 84 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ શોને 13000 લોકોએ લાઇવ નિહાળ્યો હતો.