Pawan Kalyan Become Highest Paid Actor: તેલુગુ ચાહકોએ પવન કલ્યાણને થિયેટર્સમાં જોયાને ઘણા વર્ષો થઈ ગયા છે. પવન કલ્યાણ હવે રાજકારણમાં જોડાઈ ગયા છે અને આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. તેમની રાજકીય જવાબદારીઓને કારણે તેમની ફિલ્મો વિલંબિત થઈ રહી છે જેના કારણે કરોડો રૂપિયાનું રોકાણ કરનારા નિર્માતાઓ પર દબાણ વધી રહ્યું છે. ઘણી ફિલ્મો અટકી પડી હોવાથી નિર્માતાઓ પણ પવનના સેટ પર પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે. આખરે અભિનેતા તાજેતરમાં તેની ત્રણ ફિલ્મોના નિર્માતાઓને મળ્યા અને તેમને ટૂંક સમયમાં પૂર્ણ કરવા માટે તારીખો આપવાનું વચન આપ્યું હતું.

ઉસ્તાદ ભગતસિંહ માટે મોટી ફી વસૂલવામાં આવી

સિયાસત ડોટ કોમના રિપોર્ટ અનુસાર, પવન કલ્યાણે ઉસ્તાદ ભગત સિંહ માટે 170 કરોડ રૂપિયા ફી લીધી છે. આ રકમ કોઈ તેલુગુ અભિનેતાને નોન પાન ઇન્ડિયા ફિલ્મ માટે ચૂકવવામાં આવેલી સૌથી વધુ રકમ છે. આનાથી એક વાત સાબિત થાય છે કે લાંબા સમયથી ફિલ્મોથી દૂર હોવા છતાં નિર્માતાઓને પવન કલ્યાણની બોક્સ ઓફિસ પાવરમાં ઘણો વિશ્વાસ છે.

પવન કલ્યાણ આ ત્રણ ફિલ્મો પૂર્ણ કરશે

અહેવાલો અનુસાર, અભિનેતામાંથી રાજકારણી બનેલા પવન કલ્યાણે ટૂંક સમયમાં ત્રણ ફિલ્મો પૂર્ણ કરવા સંમતિ આપી છે, જેમાંથી હરિ હરા વીરા મલ્લુ (HHVM) મે મહિનામાં પૂર્ણ થશે. જ્યારે OGનું શૂટિંગ જૂનમાં કરવાનું આયોજન છે. જ્યારે ઉસ્તાદ ભગત સિંહનું શૂટિંગ જૂલાઈમાં શરૂ થશે. પવન દ્વારા તેમના શિડ્યૂલ વિશે સ્પષ્ટતા આપવામાં આવ્યા બાદ એએમ રત્નમ, ડીવીવી દાનચ્યા અને મૈત્રી મૂવી મેકર્સ જેવા નિર્માતાઓ રાહત અનુભવી રહ્યા છે.

ભલે હવે પવન કલ્યાણનું સંપૂર્ણ ધ્યાન રાજકારણ પર છે, પવન પોતાના થિયેટર્સના મૂળને ભૂલ્યા નથી. આ સ્પષ્ટ સમયરેખા અને રેકોર્ડબ્રેક ડીલ સાથે ચાહકો અભિનેતાની આગામી ફિલ્મો માટે ઉત્સાહિત છે. જો અહેવાલો સાચા હોય તો ઉસ્તાદ ભગત સિંહ તેમની છેલ્લી ફિલ્મ હોઈ શકે છે જે તેમની વાપસીને વધુ ખાસ બનાવે છે.