Pahalgam Terror Attack Update: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા આતંકવાદી હુમલા અંગે ગુરુવારે (24 એપ્રિલ, 2025) એક સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. આમાં ભાગ લેનારા લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે સરકાર જે પણ કાર્યવાહી કરશે, વિપક્ષ તેની સાથે છે.

બેઠકમાંથી બહાર આવતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, "જે કંઈ બન્યું તેની બધાએ નિંદા કરી છે અને વિપક્ષે સરકારને કોઈપણ કાર્યવાહી કરવા માટે સંપૂર્ણ સમર્થન આપ્યું છે." કેન્દ્ર સરકાર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં હાજરી આપ્યા બાદ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, "સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે બેઠકની અધ્યક્ષતા કરી હતી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ બેઠકમાં હાજર હતા. બધા પક્ષોએ પહલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી હતી. અમે કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ જાળવવા માટે પ્રયાસો કરવા જોઈએ."                                                

આમ આદમી પાર્ટીએ શું કહ્યું?

AAP સાંસદ સંજય સિંહે કહ્યું હતું કે, "આખો દેશ ગુસ્સામાં છે, દુઃખી છે અને દેશ ઇચ્છે છે કે કેન્દ્ર સરકાર આતંકવાદીઓને તેમની જ ભાષામાં યોગ્ય જવાબ આપે. જે રીતે તેમણે નિર્દોષ લોકોને માર્યા છે, તેમના કેમ્પનો નાશ થવો જોઈએ અને પાકિસ્તાન સામે પણ કાર્યવાહી થવી જોઈએ. અમે માંગ કરી છે કે જવાબદારી નક્કી કરવામાં આવે અને સુરક્ષામાં ખામી કેમ હતી તે અંગે કાર્યવાહી કરવામાં આવે?"

ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવભર્યા સંબંધો વચ્ચે એક અત્યંત મહત્વપૂર્ણ રાજદ્વારી પગલું લેવામાં આવ્યું છે. ભારતે પાકિસ્તાનની નિષ્ક્રિયતા અને સતત સીમાપાર આતંકવાદ, ખાસ કરીને જમ્મુ અને કાશ્મીરને નિશાન બનાવવાના કૃત્યોને ટાંકીને દાયકાઓ જૂની સિંધુ જળ સંધિ (Indus Water Treaty - IWT) ને તાત્કાલિક અસરથી સ્થગિત કરી દીધી છે. ભારતે આ અંગે પાકિસ્તાનને સત્તાવાર રીતે જાણ કરી દીધી છે.