પ્રકાશ રાજે પોતાના ટ્વીટમાં એ વાતનો ખુલાસો કર્યો કે એક કપ ગરમ પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવાથી કોરોના વાયરસથી બચી શકાય છે. પરંતુ આ ટ્વીટ કર્યાના થોયા સમય બાદ જ તેમણે ટ્વીટ ડિલીટ કરવું પડ્યું અને તેમણે બીજું એક ટ્વીટ કર્યું.
પ્રકાશ રાજે લખ્યું, ‘કંઈક સારું કરવાની ઉતાવળમાં હું ખોટી જાણકારીનો ભોગ બની ગયો. પરંતુ સારી વાત એ છે કે મેં સત્ય સ્વીકાર્યું અને મારી ભૂલ સુધારી. માટે મેં ભૂલભરેલું ટ્વીટ ડિલીટ કર્યું છે. સોરી.’
ઉલ્લેખનીય છે કે પ્રકાશ રાજ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા છે અને તે સાઉથની કેટલીક બ્લોક બ્લાસ્ટર ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. પ્રકાશ રાજે બોલિવૂડમાં પણ સલમાન ખાનની સાથે દબંગ-2, વોન્ટેડ અને અજય દેવગનની સાથે સિંઘમાં જોવા મળ્યા હતા. જણાવી દઇએ કે પ્રકાશ રાજ સીએએને લઇને દિલ્હીમાં થઇ રહેલી હિંસાને લઇને પણ સતત ટ્વિટર પર રિએક્શન આપી રહ્યા હતા. ભારતમાં આ સમયે કોરોના વાયરસના કુલ 24 દર્દી છે. જ્યારે વિદેશમાં રહેનારા 17 ભારતીયોમાં વાયરસની પુષ્ટિ કરી છે.