નવી દિલ્હી: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ સીરિયલની અભિનેત્રી મોહિના કુમારી સિંહનું દિલ્હીમાં 28 નવેમ્બરે ગ્રાન્ડ રિસેપ્શન યોજાયું હતું. મોહિનાના ગ્રાન્ડ રિસેપ્શનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આશીર્વાદ આપવા આવ્યા હતા. નરેન્દ્ર મોદી સાથે ફોટો લેવા માટે પડાપડી થઈ હતી.

રીવાની રાજકુમારી મોહિનાના લગ્ન ઉત્તરાખંડ સરકારમાં કેબિનેટ મંત્રી અને આધ્યાત્મિક ગુરૂ સતપાલ મહારાજના નાના પુત્ર સુયશ રાવત સાથે થયા છે. 14 ઓક્ટોબરે મોહિના અને સુયશના લગ્નગ્રંથીથી જોડાયા હતાં. ત્યારે લગ્નના લગભગ દોઢ મહિના બાદ દિલ્હીમાં બીજું રિસેપ્શન યોજાયું હતું.


દિલ્હીમાં યોજાયેલા ગ્રાન્ડ રિસેપ્શનમાં નરેન્દ્ર મોદી નવદંપતીને આશીર્વાદ આપવા પહોંચ્યા હતાં. નરેન્દ્ર મોદી સાથે મોહિના અને સુયશની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયા છે. વાયરલ તસવીરો અને વીડિયોમાં મોહિના અને સુયશની સાથે પીએમ મોદી ઉપરાંત પરિવારના અન્ય સભ્યો પણ જોવા મળ્યાં હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાની તક મળતાં મોહિના ખુશ જોવા મળતી હતી. નરેન્દ્ર મોદીએ નવદંપતીને ભેટમાં ગુલાબ આપ્યું હતું.

મોહિનાએ ઈન્સ્ટાગ્રામ પર પીએમ મોદી અને પરિવાર સાથે સેલ્ફી પોસ્ટ કરી હતી. તસવીર પોસ્ટ કરીને મોહિનાએ લખ્યું, “અમારા રિસેપ્શનમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીથી ખૂબ ખુશી અનુભવું છું. અમારી સાથે સેલ્ફી લેવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. કોટિ કોટિ પ્રમાણ નરેન્દ્ર મોદીજી.”


દિલ્હીમાં યોજાયેલા રિસેપ્શનમાં મોહિના બેબી પિંક રંગના એમ્બ્રોડરીવાળા આઉટફિટમાં જોવા મળી હતી. મોહિનાનો પતિ સુયશ રાવતનો પણ રોયલ લૂક જોવા મળ્યો હતો. રિસેપ્શનમાં મોહિના અને સુયશની જોડી સુંદર લાગતી હતી. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં ગ્રાન્ડ રિસેપ્શન યોજાયું તે પહેલા મોહિનાના પિયર રીવામાં પણ રિસેપ્શન યોજાયું હતું. તેમાં પણ અનેક જાણીતી હસ્તીઓ સામેલ થઈ હતી.