નવી દિલ્હીઃ ક્રિકેટના મેદાન પર ખેલાડીઓને ઈજા થવાની ઘટના અવાર નવાર જોવા મળતી રહી છે. તેમાં મુખ્ય રીતે બેટ્સમેનોના માથા પર બોલ લાગવાની ઘટના સામાન્ય છે જેના માટે બેટિંગ દરમિયાન સુરક્ષા માટે હેલ્મેટ પહેરે છે. બેટ્સમેન જ નહીં બોલરને પણ ઈજા થવાનું જોખમ રહે છે. ઘણી વખત બેટ્સમેન બોલરની દિશામાં જ એટલો ઝડપી શોટ રમે છે કે જેના કારણે ઈજાગ્રસ્ત થઈ જાય છે.

જોકે આ પ્રકારની ઘટનાથી બચવા માટે ન્યૂઝીલેનડ્નો બોલર એન્ડ્ર્યૂ એલિસે એક અનોખો ઉપાય શોધી કાઢ્યો છે. એન્ડ્ર્યૂ એલિસ પોતાની સુરક્ષા માટે હવે હેલ્મેટ પહેરીને બોલિંગ કરે છે.


હકીકતમાં, ફોર્ડ ટ્રોફીની છેલ્લી સીઝનમાં, એન્ડ્ર્યૂ એલિસને એક બોલ લાગ્યો હતો, જેના પછી તે આ સીઝનમાં સંપૂર્ણ સાવચેતી રાખે છે અને કોઈ પણ જોખમ લેવાથી બચે છે. તેથી હવે જ્યારે તે બોલિંગ કરવા આવે છે તો હેલ્મેટ પહેરીને આવે છે.

કિવિ ટીમ માટે 15 વનડે અને 5 ટી20 મેચ રમનાર એલિસ બુધવારે ફોર્ડ ટ્રોફીમાં કેન્ટરબરી અને નોર્ધન ડિસ્ટ્રિક્ટ વચ્ચે રમાયેલી મેચમાં હેલ્મેટ લઈને આવ્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ ટુર્નામેન્ટની ગત સીઝનમાં એલિસના માથા પર જીત રાવલનો ઝડપી શોટ વાગ્યો હતો, બોલ તેના માથાથી ટકરાઈને બાઉન્ડ્રી પર ગયો હતો. ત્યારથી જ તે હેલ્મેટ પહેરીને બોલિંગ કરવા આવે છે.