Priyanka Chopra director controversy: બોલિવૂડની સફળ અભિનેત્રી અને હવે હોલીવૂડમાં પણ પોતાની આગવી ઓળખ બનાવનારી પ્રિયંકા ચોપરાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક કડવા અનુભવને તાજેતરમાં લોકો સમક્ષ રજૂ કર્યો હતો. ફોર્બ્સ વિમેન્સ સમિટ દરમિયાન પ્રિયંકાએ એક ફિલ્મ નિર્દેશક દ્વારા કરવામાં આવેલી શરમજનક માંગણીનો ખુલાસો કર્યો હતો, જેણે ફિલ્મ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે.


પ્રિયંકાએ જણાવ્યું હતું કે જ્યારે તે પોતાના કરિયરના શરૂઆતના તબક્કામાં હતી, ત્યારે એક ફિલ્મમાં તે એક એસ્કોર્ટની ભૂમિકા ભજવી રહી હતી. ફિલ્મના એક ગીતના શૂટિંગ દરમિયાન, નિર્દેશકે તેના સ્ટાઈલિશને આદેશ આપ્યો હતો કે ગીતમાં પ્રિયંકા ચોપરાના અંડરવેર સ્પષ્ટપણે દેખાવા જોઈએ. તે સમયે પ્રિયંકા માત્ર 19 વર્ષની હતી અને નિર્દેશકની આ માંગણી તેને અત્યંત અણગમતી લાગી હતી.


પોતાના અનુભવને વર્ણવતા પ્રિયંકાએ કહ્યું હતું કે તે ગીતના સંદર્ભમાં ડિરેક્ટર સાથે વાત કરી રહી હતી અને તેણે તેના સ્ટાઈલિશને શું જરૂર છે તે સમજાવવા કહ્યું હતું. ત્યારે ડિરેક્ટર ખુરશી પર બેઠા હતા અને ફોન પર તેમના સ્ટાઈલિશને કહેતા સંભળાયા હતા કે, "સાંભળો, જ્યારે તે તેની પેન્ટી બતાવે છે, ત્યારે લોકો તેને જોવા માટે સિનેમામાં આવે છે. તેથી તે ખૂબ જ નાની હોવી જોઈએ, જેથી હું તેની પેન્ટી જોઈ શકું. સામે બેઠેલા લોકોએ તેની પેન્ટી જોવી જોઈએ," અને આ વાત તેમણે ચાર વખત કહી હતી.


પ્રિયંકાએ વધુમાં જણાવ્યું હતું કે આ માંગણીથી તે એટલી નારાજ થઈ ગઈ હતી કે તેણે તે ફિલ્મ છોડી દેવાનો નિર્ણય લીધો હતો. એટલું જ નહીં, તેણે ફિલ્મ માટે બે દિવસ સુધી શૂટિંગ પણ કર્યું હોવા છતાં, પ્રોડક્શન કંપની દ્વારા કરવામાં આવેલો ખર્ચ પણ પોતાની જાતે ચૂકવી દીધો હતો. આ ઘટના બાદ પ્રિયંકા ચોપરાએ તે નિર્દેશક સાથે ક્યારેય કામ નહીં કરવાનો પણ નિર્ણય લીધો હતો. પ્રિયંકાનો આ ખુલાસો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓ સામે થતા આવા અભદ્ર વર્તનને ઉજાગર કરે છે.


નોંધનીય છે કે, અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ વર્લ્ડ પ્રિયંકા ચોપરા તેના પતિ અને અમેરિકન પોપ સ્ટાર નિક જોનાસ સાથે હોળીની ઉજવણી કરતી જોવા મળે છે. સ્ટાર કપલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં રંગોમાં ડૂબેલી પ્રિયંકા તેના પતિ નિકને કિસ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં નિક હોળીના ખાસ તહેવાર પર ડાન્સ કરતો પણ જોવા મળી રહ્યો છે.