મુંબઈ: અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ ‘પેડમેન’'ની નિર્માત્રી પ્રેરણા અરોરાને કોર્ટના અપમાન બદલ છ મહિનાના સજા ફટકારવામાં આવી હતી. ‘રૂસ્તમ’, ‘ટોયલેટ એક પ્રેમ કથા’ અને ‘પેડમેન’ જેવી સફળ ફિલ્મો બનાવનાર પ્રેરણા અરોરાને જસ્ટિસ જે.એસ.કુલકર્ણીએ આઝાદ મેદાન પોલીસ સમક્ષ બીજી માર્ચે હાજર રહેવા આદેશ કર્યો હતો. આ ઉપરાંત હાઈકોર્ટે પ્રેરણા વિરૂદ્ધ બિન જામીન પાત્ર વોરંટ પણ જારી કર્યો હતો.


ગોથિક એન્ટરટેઈન્ટમેન્ટ દ્વારા પ્રેરણા અને પ્રોતિમા જેઓ ક્રિઅર્ઝ એન્ટરટેઈન્ટમેન્ટના ડાયરેક્ટર છે તેમની વિરૂદ્ધ પૈસાના મામલે કેસ નોંધાયો હતો. ગોથિક એન્ટરટેઇન્ટમેન્ટ અને ક્રિઅર્ઝ એન્ટરટેઇન્ટમેન્ટ વચ્ચે કોર્ટમાં એવા કરાર કરવામાં આવ્યા હતા કે પ્રેરણા અરોરાના પ્રોડક્શન હાઉસ તરફથી ગોથિકને રૂપિયા પચીસ કરોડ આપવાના રહેશે. પરંતુ ક્રિએર્ઝ એન્ટરટેઈન્ટમેન્ટ દ્વારા 2.5 કરોડ રૂપિયોનો હપ્તો ભરવામાં આવ્યો નહતો.

આ ઉપરાંત હપ્તાનો જે ચેક આપ્યો હતો તે પણ બાઉન્સ ગયો હતો ત્યાર બાદ ગોથિક અન્ટરટેઈન્ટમેન્ટે ન્યાય મેળવવા કોર્ટનો આશરો લેવામાં આવ્યો હતો. પાંચ ફેબ્રુઆરીએ કોર્ટને કહેવામાં આવ્યું હતું કે, પ્રેરણા દ્વારા હપ્તાની રકમ આપવામાં આવતી નથી.

કોર્ટે નોટીસ જારી કરી પ્રેરણાને પૂછ્યું હતું કે, કોર્ટના આદેશને નહીં માનવા બદલ તમારી સામે કોર્ટના અપમાનનો કેસ કેમ ના કરાય? પરંતુ પ્રેરણા તરફથી તેનો કોઈ જ જવાબ અપાયો નહતો.

અંતે કોર્ટે માની લીધું કે, ખોટા આશ્વાસનો આપીને પ્રેરણા કોર્ટ અને ગોથિક બંનેને ગેરમાર્ગે દોરે છે. પરિણામે પ્રેરણાને છ મહિનાની સજા ફટકારવાનો આદેશ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ પ્રેરણા આઠ મહિના સુધી જેલની હવા ખાઈ ચૂકી હતી. પ્રેરણા સામે છેતરપિંડી અને પૈસા પરત નહીં કરવાના આરોપ હતો.