કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવા માટે દુનિયાભરમાંથી ફિલ્મો આવતી હોય છે. ભારતીય ફિલ્મો તો લગભગ દર વર્ષે દર્શાવવામાં આવે જ છે, પરંતુ ગુજરાતી ફિલ્મ પસંદ થયાની ઘટના પહેલી વાર બની છે.
ફ્રાન્સના કેન શહેરમાં સાત દાયકાથી ફિલ્મ ફેસ્ટિવલ યોજાય છે. આ વખતે 73મો ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે. ફેસ્ટિવલના ટાઈમ ટેબલ પ્રમાણે 26 જૂન ને શુક્રવારે 9.30 કલાકે આ ફિલ્મ રજૂ કરવામાં આવશે. ભારતમાંથી કુલ બે ફિલ્મ પસંદ થઈ છે,જેમાં બીજી ફિલ્મ મરાઠી ભાષાની માઈ ઘાટ છે. આ ફેસ્ટિવલમાં વિવિધ ફિલ્મોને વિવિધ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવે છે. હેલ્લારો એવી કોઈ કેટેગરી માટે પસંદ નથી થઈ, માત્ર ત્યાં સ્ક્રિનિંગ માટે સિલેક્ટ થઈ છે.
કેન્દ્રિય સૂચના-પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે મંગળવારે કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતના પેવેલિયનનું વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું હતું.