નવી દિલ્હીઃ બાહુબલી ફિલ્મમાં ભલ્લાવદેવની ભૂમિકા ભજવીને દર્શકોમાં છવાઈ જનાર રાણા દગ્ગુબતીની તબિયત નાદુરસ્ત હોવાના અહેવાલ સામે આવ્યા છે. તે કિડનીની સમસ્યાથી પિડાઈ રહ્યો છે. બાહુબલીના શૂટિંગ દરમિયાન જ રાણાને આ બિમારી વિશે જાણ થઈ હતી.

મીડિયા અહેવાલ અનુસાર છેલ્લાં ઘણાં સમયથી તે કિડનીની સારવાર હૈદ્રાબાદ અને મુંબઈમાં લઈ રહ્યો હતો. છેલ્લા એક વર્ષથી તેની ટ્રિટમેન્ટ ચાલી રહી હતી.

જોકે આગળની સારવાર માટે તે અમેરિકા ગયો હતો. અહેવાલ અનુસાર તેની કિડનીને ઘણું ડેમેજ છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર અમેરિકાના ડોક્ટર્સે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાની સલાહ આપી છે. જોકે આ આખા મામલા અંગે રાણા દગ્ગુબત્તી કે તેમનાં પરિવાર તરફથી કોઇ જ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી ન હતી.