મુંબઈ: ફિલ્મમેકર લવ રંજનની આગામી ફિલ્મમાં રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર પહેલીવાર સાથે જોવા મળશે. આ ફિલ્મ વર્ષ 2021માં 26 માર્ચે રિલીઝ થશે. આ ફિલ્મનું ટાઈટલ હજુ નક્કી કરવામાં આવ્યું નથી. ફિલ્મનું નિર્માણ લવ રંજન અને અંકુર ગર્ગ પોતનારા બેનર લવ ફિલ્મ્સ હેઠળ કરશે.

આ ફિલ્મ અંગે અંકુર ગર્ગે કહ્યું કે, “અમે રણબીર  અને શ્રદ્ધાની ફ્રેશ જોડી સાથે લવની ફિલ્મને પ્રસ્તુત કરવા માટે તૈયાર છે અને આશા રાખીએ છે કે દર્શકો જ્યારે આ ફિલ્મને નિહાળશે ત્યારે તેમને પણ આ અહેસાસની અનુભૂતિ થાય.”


આ પહેલા ચર્ચા હતી કે આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ જોવા મળશે. સાથે એવી પણ ચર્ચા હતી કે અજય દેવગન પણ જોવા મળશે. જોકે, સૂત્રોના અનુસાર, ક્રિએટિવ ડિફરન્સના કારણે અજય દેવગન આ ફિલ્મમાંથી નીકળી ગયો છે. ગત અઠવાડિયે લવ રંજને કહ્યું હતું કે તેઓ ફિલ્મ પર કામ કરી રહ્યાં છે. યોગ્ય સમયે ફિલ્મની જાહેરાત કરવામાં આવશે.


રણબીર કપૂર હાલમાં ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં વ્યસ્ત છે. આ ઉપરાંત તે ‘શમશેરા’માં કામ કરી રહ્યો છે. જ્યારે શ્રદ્ધા કપૂર હાલમાં ‘સ્ટ્રીટ ડાન્સર 3D’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ આવતા વર્ષે 24 જાન્યુઆરીએ રિલીઝ થશે.