બહુચર્ચિત ફિલ્મ RRR રિલીઝ થઈ ગઈ છે અને તેને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મમાં જુનિયર એનટીઆર અને રામ ચરણ તેજા મુખ્ય ભૂમિકામાં છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ ફિલ્મે રિલીઝ પહેલા જ જંગી કમાણી કરી લીધી છે. ટ્રેડ એનાલિસીસ્ટના અનુમાન મુજબ આ ફિલ્મ લગભગ 1000 કરોડનો બિઝનેસ કરવા જઈ રહી છે. આ દરમિયાન રિલીઝ પહેલા જ RRR ફિલ્મના રાઈટ્સ અને તેના ડિસ્ટ્રીબ્યુશનની રકમ મળીને RRR ફિલ્મે 800 કરોડની કમાણી કરી લીધી છે.
આલિયા ભટ્ટનો 20 મિનિટનો રોલઃ
આ ફિલ્મમાં બોલિવૂડ સ્ટાર્સ અજય દેવગન અને આલિયા ભટ્ટ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા છે. આજે અમે તમને જણાવીશું કે આલિયા ભટ્ટ અને અજય દેવગનને આ બહુચર્ચિત ફિલ્મ માટે કેટલી ફી ઓફર કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આલિયા ભટ્ટ ત્રણ કલાકથી વધુની આ ફિલ્મમાં કુલ 20 મિનિટથી ઓછા સમય માટે જોવા મળી છે. જોકે આ ફિલ્મમાં આલિયાનો રોલ સશક્ત અને દમદાર હોવાનું કહેવાઈ રહ્યું છે.
20 મિનિટના રોલ માટે 9 કરોડ રુપિયાઃ
આ નાનકડા રોલ માટે આલિયા ભટ્ટને એક કે બે કરોડ નહીં પરંતુ પૂરા 9 કરોડ રૂપિયા ફી તરીકે આપવામાં આવ્યા હતા. ફિલ્મમાં કુલ 20 મિનિટથી ઓછા સમય માટે પોતાના અભિનયના ઓજસ પાથરીને આલિયા ભટ્ટે 9 કરોડની ફી લીધી છે. હવે વાત કરીએ એક્ટર અજય દેવગનની તો મળતી માહિતી અનુસાર અજયનો પણ RRR ફિલ્મમાં એક નાનો પણ મજબૂત રોલ છે.
કહેવાય છે કે, અજયને ફિલ્મ RRR માટે 35 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અજય દેવગને માત્ર 7 દિવસમાં પોતાના ભાગનું શૂટિંગ પૂરું કર્યું હતું. જો કે, હવે એ જોવાની મજા આવશે કે અજય અને આલિયા પોતાના પાત્રોથી દર્શકોનું કેટલું ધ્યાન ખેંચે છે. અજય દેવગને માત્ર 7 દિવસમાં પોતાના ભાગનું કામ પુરુ કરીને 35 કરોડ રુપિયા ફી લીધી છે.