નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટર અજય દેવગન અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ ‘તાનાજી - ધ અનસંગ વોરિયર’ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે. જ્યારે લોકો ફિલ્મમાં અજય અને સૈફની ભૂમિકાને ખૂબ પસંદ કરી હ્યા છે. જોકે, સૈફ અલી ખાને ફિલ્મમાં ઈતિહાસ સાથે છેડછાડનો આરોપ લગાવ્યો છે અને તેને ખતરનાક ગણાવ્યો છે. સૈફ અલી ખાનના આ આરોપ બાદ ફિલ્મ ચર્ચામા આવી ગઈ છે.

સૈફ અલી ખાને અનુપમા ચોપરાને આપેલ એક ઇન્ટરવ્યૂમાં ફિલ્મની ભૂમિકાને લઈને કહ્યું કે, ઉદયભાન રાઠોરની ભૂમિકા ખૂબ જ આકર્ષક લાગતી હતી, માટે તે છોડી ન શક્યો, પરંતુ તેમાં પોલિટિકલ નેરેટિવ બદલવામાં આવ્યા છે અને તે ખતરનાક છે. સાથે જ સેફે કહ્યું, ‘કેટલાક કારણોસર હું કોઈ સ્ટેન્ડ ન લઈ શક્યો, જોકે હવે પાછી આવું કરીશ. હું આ ભૂમિકાને લઈને ખૂબ જ ઉત્સાહિત હતો કારણ કે મને તે ખૂબ જ આકર્ષક લાગતી હતી. પરંતુ આ કોઈ ઇતિહાસ નથી. ઇતિહાસ શું છે તેના વિશે મને બરોબર ખબર છે.’



છેલ્લા ઘણા સમયથી સૈફ જે સવાલથી બચી રહ્યા હતા, તેઓએ આ વખતે તેના  પર પોતાના વિચાર રજૂ કર્યા. તેઓએ દેશની હાલની સ્થિતિ પર પોતાના વિચાર રજૂ કરતાં કહ્યું કે, હાલ દેશમાં જે સ્થિતિ છે, તે જોઈને દુ:ખ થાય છે.

દેશની હાલની સ્થિતિ પર પહેલીવાર પોતાની વાત રજૂ કરતાં સૈફે કહ્યું કે, દેશની સ્થિતિને જોઈ લાગે છે કે આપણે સેક્યુલરિઝમથી દૂર જઈ રહ્યા છીએ અને મને કોઈ પણ તેના માટે લડતું દેખાતું નથી. તેઓએ કહ્યું કે, એક એક્ટર હોવાના કારણે મારા માટે કોઈ પણ સ્ટેન્ડ લેવો યોગ્ય નથી, કારણ કે તેનાથી ફિલ્મો બૅન હોઈ શકે છે અને બિઝનેસ પર અસર પડે છે. તેઓએ કહ્યું કે તેથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો પોતાનો બિઝનેસ અને પોતાના પરિવારને ખતરામાં નથી મૂકવા માંગતા અને કોઈ પણ રાજકીય કૉમેન્ટ કરવાથી દૂર રહે છે.