મુંબઈ: ટીવીનો સૌથી વધુ વિવાદિત પોપ્યુલર શો ‘બિગ બૉસ’ (Bigg Boss)ની 14મીં સીઝન માટે ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ શોને પ્રીમિયર થવા માટે હવે થોડોક સમય બાકી છે, તેથી શોના મેકર્સ તેની તૈયારીમાં લાગી ગયા છે. પરંતુ હવે શો માટે નવી મુશ્કેલી નજર આવી રહી છે. સૂત્રો અનુસાર બિગ બૉસના હોસ્ટ અને સુપરસ્ટાર સલમાન ખાનને જિલ્લા અને સેશન કોર્ટ જોધપુર તરફથી 28 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર થવા કહેવામાં આવ્યું છે.

આ સમાચારે ‘બિગ બૉસ’ના મેકર્સની ચિંતા વધારી દીધી છે. હવે કોર્ટમાં હાજર થયા બાદ જોધપુર કોર્ટનો જે પણ નિર્ણય આવશે તે ‘બિગ બૉસ’ની ટીઆરપી પર અસર કરી શકે છે.

આમ તો દર વર્ષે ‘બિગ બૉસ’ હોસ્ટ કરવા માટે સલમાન મેકર્સ પાસેથી ભારેભરખમ ફી વસૂલે છે અને આ વખતે પણ મોટી ફી માંગી હોવાના અહેવાલ છે. સૂત્રો અનુસાર સલમાને બિગ બોસ-14 માટે 450 કરોડ રૂપિયા ફી લેવાના છે. એટલે કે દરેક એપિસોડ માટે 20 કરોડ રૂપિયા મળશે.

આ સિવાય ‘બિગ બૉસ’ના કન્ટેસ્ટેન્ટની વાત કરીએ તો, તેમાં પવિત્રા પુનિયા, કરણ પટેલ, એલી ગોની, સ્નેહા ઉલાલ, નૈના સિંહ,રાહુલ વૈદ્ય, એજાજ ખાન, જૈસ્મિન ભસીન, નિશાંત મલકાની જેવા અનેક સેલિબ્રિટીઝના નામ લિસ્ટમાં સામેલ છે.