મુંબઇઃ બિગ બૉસના લગભગ 10 સિઝનનું આયોજન કરનાર સલમાન ખાન હવે આ શોનો એક અતૂટ ભાગ બની ગયો છે. સલમાન ખાન વગર આ શો વિશે વિચારવું પણ મુશ્કેલ છે. તાજેતરમાં જ આ શોના નિર્માતાઓએ શોના વિસ્તરણની જાહેરાત કરી હતી અને આ શોને 5 અઠવાડિયા આગળ વધારવામાં આવ્યો છે. જોકે સલમાન ખાન હવે આ શોનો હોસ્ટ બની જોવા મળશે નહીં. હવે આ શોના હોસ્ટ કોઈ બીજા હશે.


મીડિયા રિપોર્ટ પ્રમાણે, સલમાનનો પરિવાર તેના સ્વાસ્થ્ય પ્રત્યે ચિંતિત છે અને તેને આ શો છોડી દેવાની સલાહ આપી છે. સલામનનો પરિવાર નથી ઈચ્છતો કે એક્ટર ગુસ્સો કરે અને તેના સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે. એટલે જ ભાઈજાનને શો છોડી દેવાની સલાહ અપાઈ છે. જો કે, સલમાનના નજીકના સૂત્રોએ આ અહેવાલોને ખોટા ગણાવ્યા છે.

બિગ બોસ 13માં કન્ટેસ્ટન્ટ વચ્ચે ખૂબ ઝઘડા થાય છે. આ દરમિયાન સ્પર્ધકો એકબીજા સાથે મારામારી કરતા પણ જોવા મળ્યા હતા. સલમાન ખાન આ બધી જ બાબતોને ધીરજપૂર્વક સંભાળી રહ્યો છે. તેમ છતાં સલમાન ક્યારેક કન્ટેસ્ટન્ટના વર્તન પર ગુસ્સો કરે છે. રિપોર્ટ મુજબ, એક્ટરના પરિવારને આ બાબતનો જ ભય છે. સલમાનના સ્વાસ્થ્ય માટે ગુસ્સો હાનિકારક છે એટલે જ પરિવાર ચિંતિત છે.

થોડા વર્ષોથી સલમાન ખાન 'ટ્રિરેમિનલ ન્યૂરેલજીયા' (Trigeminal Neuralgia ) નામની બીમારીથી પીડાઇ રહ્યો છે. આ રોગને લીધે વધુ તણાવ લેવો અથવા ગુસ્સો કરવો તેમના સ્વાસ્થ્યને અસર કરી શકે છે. ઘણીવાર વીકએન્ડ વૉરના એપિસોડમાં સલમાન ખાન ગુસ્સે અને તણાવમાં જોવા મળે છે. છેલ્લા એપિસોડમાં સલમાન અરહાનના જુઠ્ઠાણાથી એટલો નારાજ થયો કે તેણે ગુસ્સે થઈને પોતાનું જેકેટ ફેંકી દીધું.