Sanjay Gadhvi Passed Away: 'ધૂમ' અને 'ધૂમ 2' જેવી સુપરહિટ ફિલ્મોના ડાયરેક્ટર સંજય ગઢવીનું રવિવારે નિધન થયું છે. તેઓ 57 વર્ષના હતા. રવિવારે સવારે લગભગ 8.45 કલાકે ઘરે જ્યારે ચા પી રહ્યાં હતા, તે સમયે અચાનક તેઓ નીચે ઢળી પડ્યા હતા, તેમને હાર્ટ એટેક આવ્યો અને તેમનું નિધન થઇ ગયુ હતુ. 


સંજય ગઢવી અંધેરી વિસ્તારની એ જ બિલ્ડિંગ 'ગ્રીન એકર્સ'માં રહેતા હતા, જ્યાં શ્રીદેવી રહેતી હતી. જોકે બોની કપૂર છેલ્લા એક વર્ષથી તે બિલ્ડીંગમાં રહેતા નથી, પરંતુ તેમણે પાડોશીઓને ટાંકીને એબીપી ન્યૂઝને પુષ્ટિ આપી કે સંજય ગઢવીનું આજે સવારે નિધન થયું છે.


ઘરે બેભાન થયા બાદ સંજય ગઢવીને તાત્કાલિક અંધેરીની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. હાલ સંજય ગઢબીનો મૃતદેહ હૉસ્પિટલમાં છે.


આ ફિલ્મોમાં સંજયની મળી હતી ફેમ 
જો સંજયના કામ પર નજર કરીએ તો તેણે 2000માં ફિલ્મ 'તેરે લિયે'થી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી. ફિલ્મ ધ્યાને આવી ન હતી. પહેલા આ ફિલ્મનું નામ 'તુ હી બાતા' હતું, જેમાં અર્જૂન રામપાલ અને રવિના ટંડન લીડ રોલમાં હતા. જોકે ઓછા બજેટના કારણે ફિલ્મ અટકી પડી હતી. સંજયને પહેલીવાર 2004માં ખ્યાતિ મળી હતી. તેણે એક્શન થ્રિલર ફિલ્મ ધૂમનું દિગ્દર્શન કર્યું હતું. ધૂમ ફિલ્મમાં અભિષેક બચ્ચન, ઉદય ચોપરા, જોન અબ્રાહમ, એશા દેઓલ અને રિમી સેન જેવા સ્ટાર્સ જોવા મળ્યા હતા. આ ફિલ્મ સુપરહિટ રહી હતી.


સંજયે ધૂમ 2, 'મેરે યાર કી શાદી હૈ' અને ઈમરાન ખાન સ્ટારર ફિલ્મ 'કિડનેપ'નું પણ નિર્દેશન કર્યું છે. આ સિવાય 2012માં તેણે 'અજબ ગજબ લવ'નું નિર્દેશન કર્યું હતું. તેણે 'ઓપરેશન પરિન્દે' ફિલ્મનું દિગ્દર્શન પણ કર્યું છે. આ ફિલ્મ 2020માં રિલીઝ થઈ હતી.