મુંબઈઃ બોલીવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ કેટલાય મીડિયા હાઉસ સામે માનહાનિનો દાવો કર્યો છે. જેની સૂનાવણી દરમિયાન બોમ્બે હાઈકોર્ટે પૂછ્યું હતું કે, સૂત્રોના હવાલાથી કોઈ મીડિયા સમાચાર ચલાવે છે તો એ કેવી રીતે ખોટી છે. કોર્ટે શિલ્પાના વકીલને એમ પણ કહ્યું કે, તમારા ક્લાયન્ટના પતિ સામે એક મામલો છે અને જેમાં કોર્ટ કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ નહીં કરે. આપનો ક્લાયન્ટ કોઈ પણ હોઇ શકે, પરંતુ માનહાનિ માટે એક કાયદો છે. 


માનહાનિ કેસમાં શિલ્પાના વકીલે કોર્ટમાં કહ્યું કે, મીડિયાએ પોલીસ સૂત્રોના હવાલાથી સમાચાર આપ્યા છે, તે ખોટું છે. કોર્ટે કહ્યું , તમારી પાસે શિલ્પા શેટ્ટી માટે કહેવા માટે કંઇ નથી, તો શું કંઇ ના કહો? હવે શું તમે એવી આશા રાખો છે કે, કોર્ટ તપાસ કરશે કે, દરેક સ્ટોરી માટે મીડિયા હાઉસે કયા સ્રોતોનો હવાલો આપ્યો છે. આ એક ખૂબ જ પાતળી ભેદરેખા છે. શિલ્પા માટે કોઈ કંઈ કહે છે તો વાત મોટી થઈ જાય છે, કેમ?


કોર્ટે જણાવ્યું કે, એવો કોઇ કાયદો નથી કે અમારે અનુમાન લગાવવું પડે કે આ માનહાનિકારક છે. જો તમે જાહેર જીવનમાં છો, તો એના આવા પરિણામ આવી શકે છે. લોકોને તમારા જીવનમાં રૂચી છે. કોઈએ લખ્યું કે, તે કેવી રીતે રડી અને તેના પતિ સાથે ઝઘડો કર્યો તો આ માનહાનિ કેવી રીતે. 



શિલ્પાના વકીલે જણાવ્યું કે, આ બધા સમાચારની અસર તેમના બાળકો પર પડે છે. કોર્ટે કહ્યું, તેના રોવાના સમાચારથી ખબર પડે છે કે આ હ્યુમન છે. શિલ્પાના વકીલે એક યુટ્યુબ યુઝર દ્વારા બનાવેલા વીડિયોનો હવાલો આપીને માનહાનિ થઈ હોવાનું જણાવ્યું હતું જોકે, કોર્ટે કહ્યું, અમે તમારા આવા એક માનહાનિના ઉદાહરણને લઈને અન્ય તમામ પર લાગું નથી કરી શકતા. કોર્ટે કહ્યું, હું તમને પાંચમી વાર કહું છું કે, કોઈ એવી વસ્તુ કે જેને પોલીસ સૂત્રોના આધાર પર સમાચાર બનાવાયા હોય તે માનહાનિ નથી. તમે અમારી પાસે જેની આશા રાખી રહ્યા છો, તેનાથી પ્રેસની સ્વતંત્રતા પર ખૂબ ગંભીર અસર થશે. 


તમે મને ખરાબ વાતો કરનાર ડિફેંડેડના વ્યક્તિગત ઉદાહરણ આપો, હું તેમના પર કાર્યવાહી કરીશ. પરંતુ પોલીસ સૂત્રો પર આધારિત સમાચારને ખરાબ કે અપમાનજનક ન કહી શકાય.