ગાંધીનગરઃ ગુજરાત સરકારે આજે રાત્રિ કર્ફ્યૂને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે. આવતી કાલથી આ જાહેરનામું અમલમાં આવશે. આઠ મહાનગરના લોકોને રાત્રિ કર્ફ્યૂ વધુ એક કલાકની છૂટ આપવામાં આવી છે. હવે રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ અમલમાં રહેશે. 

આ વર્ષે સાર્વજનિક ગણેશોત્સવમાં વધુમાં વધુ 4 ફૂટની પ્રતિમાની સ્થાપના કરી શકાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આયોજિત કોર કમિટિની બેઠકમાં આ નિર્ણય કરાયો છે. તો અમદાવાદ સહિત 8 મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂની સમય મર્યાદામાં એક કલાકનો ઘટાડો કરાયો છે. 31 જુલાઈથી રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રહેશે રાત્રિ કર્ફ્યૂ.


આ 8 મહાનગરમાં હોટેલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. રાજ્યમાં કોરોના સંક્રમણના કેસમાં ઘરખમ ઘટાડો થતા જાહેર કાર્યક્રમ માટેના નિયમો પણ હળવા કરાયા છે. હવે જાહેર કાર્યક્રમમાં 400 લોકો હાજર રહી શકશે. અગાઉ 200 લોકો થઈ શકતા હતા સામેલ. જો બંધ હોલમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય તો કુલ બેઠક ક્ષમતાના 50 ટકા પરંતુ મહત્તમ 400 વ્યક્તિઓની મર્યાદામાં સમારોહનું આયોજન કરી શકાશે. તમામ નવી છુટછાટનો 31મી જુલાઈથી અમલમાં આવશે.


ગુજરાત સરકારે નોટિફિકેશનમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, ધંધા-રોજગાર કે દુકાનો સાથે સંકળાયેલા તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓએ તેમજ કામગીરી સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓ માટે વેક્સિનનો પ્રથમ ડોઝ ફરજિયાત રહેશે. જે વ્યક્તિઓના આરટીપીસીઆર ટેસ્ટ પોઝીટીવ આવેલ હોય તેવા કિસ્સાઓમાં આરટીપીસીઆર ટેસ્ટ પોઝીટીવ આવ્યાના 14 દિવસથી કે હોસ્પિટલની ડિસ્ચાર્જ સમરીની તારીખથી 90 દિવસ પૂર્ણ થયા બાદ તુર્ત જ વેક્સીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. 


 


નોંધનીય છે કે, અગાઉ સરકારે ધંધા-રોજગાર સાથે સંકળાયેલા તમામ વેપારીઓ અને કર્મચારીઓ માટે 31મી જુલાઇ સુધીમાં કોરોનાની રસીનો પહેલો ડોઝ ફરજિયાત લેવાનો આદેશ આપ્યો હતો. આ માટે ગત રવિવારે સ્પેશિયલ વેક્સિનેશનનું પણ આયોજન કરાયું હતું. ત્યારે હવે 31મી જુલાઇ પછી ધંધા-રોજગાર ચાલું રાખવા માટે ફરજિયાત વેક્સિનનનો પહેલો ડોઝ લેવો જરૂરી છે. કોરોનાની રસીનો પહેલો ડોઝ નહીં લીધો હોય તેવા સંજોગોમાં સરકાર કાર્યવાહી કરી શકે છે.