પ્રફુલ્લ સાડીના માલિક શિવનારાયણે સુરત ઉમરા પોલીસમાં નોંધાયેલ ફરિયાદ મુજબ 2003માં તેમણે બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી પાસે એક એડ ફિલ્મ કરાવી હતી. આ માટે શિલ્પા શેટ્ટીને નક્કી કરેલી ફી પણ ચુકવી દેવામાં આવી હતી. તેમજ જે તે સમયે એડ ફિલ્મના પ્રસારણને લઈને કોઈ સમયમર્યાદા નક્કી કરવામાં આવી ન હતી. તેમ છતા શિલ્પાની માતાએ સાડીના માલિક પાસેથી બે લાખ રૂપિયાની રોયલ્ટીની માંગણી કરી હતી.
ફરિયાદ મુજબ બે લાખની માંગણી બાદ શિલ્પાની માતાના કહેવાથી ગેંગસ્ટર ફઝલુ રહેમાન તેમને ખંડણી માટે ધમકી આપી હતી. આ સાથે જ તેમને જીવથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ મામલે સુનંદા શેટ્ટીને છેલ્લા ચાર વખત હાજર રહેવાનું ફરમાન હોવા છતાં હાજર ન રહેતા મંગળવારે કોર્ટે સુનંદા શેટ્ટી સામે બિનજામીનપાત્ર વૉરંટ કાઢ્યું છે. આ કેસમાં વધુ સુનાવણી 30મી સપ્ટેમ્બરે થશે.