મુંબઈઃ લોકડાઉનમાં પ્રવાસી મજૂરો માટે દૂત બનીને આવેલા અભિનેતા સોનુ સૂદે ન માત્ર રીલ લાઇફ પરંતુ હવે રિયલ લાઇફમાં પણ હીરો બની ગયો છે. એક ટ્વિટર યૂઝરે મુંબઈ લોકલ ટ્રેનનો જૂનો પાસ શેર કર્યો છે. આ પાસ સોનુ સૂદે 1997માં 420 રૂપિયામાં બનાવ્યો હતો. તે સમયે તેની ઉંમર 24 વર્ષ હતી.


સોશિયલ મીડિયા યૂઝરે તસવીર સાથે લખ્યું, "માત્ર સંઘર્ષ કરેલા જ વ્યક્તિ બીજાની મુસીબતોને સમજી શકે છે. અભિનેતા ક્યારેક 420 રૂપિયાવાળા લોકલ ટ્રેનના પાસથી યાત્રા કરતા હતા."


સોનુ સૂદ પણ તેના જૂના દિવસોને ભૂલ્યો નથી. જવાબમાં તેણે લખ્યું, "જિંદગી ચક્ર છે."


કોરોના વાયરસના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનમાં હજારો મુસાફરો મુંબઈમાં ફસાઈ ગયા હતા. મુસીબતના સમયમાં સોનુ સૂદે તેમની ઘરવાપસી કરાવવા બસનો પ્રબંધ કર્યો હતો. એક ઈન્ટરવ્યૂમાં સોનુ સૂદે સ્વીકાર કર્યો હતો કે, હું પણ ક્યારેક પ્રવાસી હતો તેથી મજૂરોની મદદ કરી. રોજગારીની શોધમાં મુંબઈ આવવું પડ્યું હતું. તેથી મને અજાણી જગ્યાએ પ્રવાસીના દર્દનો અનુભવ છે.