જાણીતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના મુંબઈમાં પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ત્યારબાદ સિનેમાં જગતમાં હડકંપ મચી ગયો હતો. સુશાંતની આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે સાથે જ 32થી વધુ લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે.


સોશિયલ મીડિયા પર ફેન્સ સતત સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે. આ કેસમાં નવા સમાચાર એ છે કે સુબ્રમણ્યમ સ્વામીએ સુશાંત સિંહની આત્મહત્યા મામલામાં સીબીઆઈ તપાસ માટે વકીલ નિયુક્ત કર્યા છે.

સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટરના માધ્યમથી જાણકારી આપી છે. તેમણે ટ્વિટમાં લખ્યું, મે ઈશાનને એક સંભવિત સીબીઆઈ તપાસ અથવા સુશાંત સિંહ રાજપૂતની કથિત આત્મહત્યા મામલામાં પીઆઈએલ અથવા ગુનાહિત ફરિયાદ માટે એક પ્રક્રિયા શરૂ કરવાનું કહ્યું છે. સુબ્રમણ્યમ સ્વામીએ પોતાના ટ્વિટમાં કહ્યું કે ઈશાન સિંહ ભંડારી સંભવિત સીબીઆઈ તપાસ માટે તમામ જાણકારી એકત્ર કરશે.



આ સિવાય ટ્વિટર પર #CBIForSonOfBihar ટ્રેન્ડ કરી રહ્યું છે. સોશિયલ મીડિયા પર ફેન્સ સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે. અભિનેતા સુશાંતની આત્મહત્યા કેસમાં સુબ્રમણ્યમ સ્વામી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની સંભવિત સીબીઆઈ તપાસ માટે પ્રશંસા કરવામાં આવી રહી છે. લોકો સુબ્રમણ્યમ સ્વામીનો આભાર વ્યક્ત કરી રહ્યા છે.