મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં સૌથી વધુ 7862 નવા કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે. આ સાથે રાજ્યમાં સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા વધીને 2,38,461 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે, સંક્રમણના કારણે વધુ 226 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 9893 પર પહોંચી ગયો છે.


આરોગ્ય વિભાગે એક નિવેદનમાં જણાવ્યું કે, આજે 5366 દર્દીઓને સાજા થયા બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે. તેની સાથે રાજ્યમાં સ્વસ્થ દર્દીઓની સંખ્યા 1,32,625 પહોંચી છે. અત્યાર સુધી 12,53,978 લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.



કોરોના સંક્રમણને લઈને પૂણેમાં 13 જૂલાઈથી 23 જૂલાઈ સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ મહારાષ્ટ્રના થાણેમાં સંપૂર્ણ લોકડાઉન 19 જૂલાઈ સુધી વધારવામાં આવ્યું છે. પુણેના ડિવિઝનલ કમિશનર દીપર મ્હૈસેકરે કહ્યું કે, 13 જૂલાઈથી 23 જૂલાઈ સુધી પુણે, પિંપરી-ચિંચવડ અને ગ્રામ્ય પુણેના કેટલાક ભાગમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.