મુંબઈઃ કોમેડિયન તથા એક્ટર સુનિલ ગ્રોવર ‘ધ કપિલ શર્મા શો’માં પાછો ફરે તેવી શક્યતા છે. સુનિલ તથા કપિલ વચ્ચે ઝઘડો થયો ત્યાર બાદ સુનિલે કપિલ સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા. બંને વચ્ચે સમાધાન કરાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતાં પરંતુ સુનિલ માન્યો નહોતો.

હવે સુનિલે પોતે કરેલી ટ્વિટના કારણે એવું લાગી રહ્યું છે કે, એ કપિલના શોમાં પાછો ફરશે. સુનિલે કપિલના શોમાં ડો. મશહૂર ગુલાટી, રિંકુભાભી તથા પીડ્ડુ જેવા પાત્રો ભજવ્યાં હતાં. હાલમાં જ સુનિલ ગ્રોવરે એક ટ્વીટ કરી હતી અને તે ટ્વીટને કારણે એવી અટકળો તેજ બની છે કે, સુનિલ પાછો કપિલના શોમાં જોવા મળશે.


સુનિલે ટ્વીટ કરી છે કે, કશું કાયમી નથી હોતું તેથી હંમેશાં બીજાં લોકો તરફ આભાર વ્યક્ત કરો. આ જ જીવનમંત્ર છે. ખૂબ હસો... બાકી મેરે હસબેન્ડ મુઝકો...’ કપિલ શર્માના શોમાં રિંકુભાભી આ ડાયલોગ વારંવાર બોલતા કે, મેરે હસબન્ડ મુઝકો પિયાર નહીં કરતે.


સુનિલ ગ્રોવરે આ જ સંવાદ ટ્વીટમાં મૂક્યો છે અને તેથી જ માનવામાં આવે છે કે, તે કપિલ શર્માના શોમાં પાછો ફરી રહ્યો છે. બે વર્ષ પહેલાં ઓસ્ટ્રેલિયાથી ભારત આવતાં ફ્લાઈટમાં દારૂના નશામાં કપિલે સુનિલ સાથે ઝઘડો કર્યો હતો. ત્યાર બાદ કપિલે માફી પણ માગી હતી પરંતુ સુનિલે કપિલ સાથે કામ ના કરવાનો નિર્ણય લીધો હતો.