પટના: બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની અસ્થિનું પટનામાં વિસર્જન કરવામાં આવ્યું હતું. સુશાંતના પિતાએ અસ્થિ વિસર્જન કર્યું હતું. સોમવારે દિવંગત અભિનેતાના પરિવાર દ્વારા મુંબઈના વિલે પાર્લેમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અને બુધવારે જ બધા પોતાના હોમટાઉન પટના રવાના થયા હતા. આ દરમિયાન સુશાંતની બહેનો અને પિતા સદમામાં જોવા મળ્યા હતા. આ વાતની જાણકારી સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ આપી હતી.
સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ ફેસબુક પર લખ્યું, 'કાલે અમે પટનામાં અમારા ઘરે સુરક્ષિત પહોંચી ગયા. એ તમામનો ધન્યવાદ, જેમણે અમારા માટે દુઆઓ કરી અને આ પ્રક્રિયામાં અમારી મદદ કરી. બધુ સરળતાથી થઈ ગયું. આજે અમે ભાઈની અસ્થિનું વિસર્જન કરશું. બધાને મારો ફરી એક વખત અનુરોધ છે કે તેમના માટે દુઆ કરો અને પોતાના દિલમાં તેના માટે નિસ્વાર્થ પ્રેમ અને ખૂબસુરત યાદો સાથે તેને વિદાય આપો. આવો, તેની જિંદગીનો જશ્ન મનાવી આપણે તેને એક ખુશનુમા વિદાય આપીએ.'

અભિનેતાની અસ્થિઓનું ગંગામાં વિસર્જન કરવામાં આવ્યું. સુશાંત સિંહ રાજપૂતે રવિવારે મુંબઈમાં બાંદ્રા સ્થિત પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. તેઓ માત્ર 34 વર્ષના હતા. સુશાંતે આ પગલુ શા માટે ભર્યું તેની કોઈ જાણકારી સામે નથી આવી પરંતુ પોલીસ પર્સનલ અને પ્રોફેશનલ દરેક રીતે આ મામલામાં તપાસ કરી રહી છે.

સુશાંત સિંહ રાજપૂતે 2013માં ફિલ્મ કાઈ પો છેથી બોલીવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. પોતાના કરિયર દરમિયાન તેણે શુદ્ધ દેશી રોમાન્સ, પીકે, એમ એસ ધોની ધ અનટોલ્ટ સ્ટોરી, કેદારનાથ અને છિછોરે જોવી મોટી ફિલ્મોમાં કામ કર્યું હતું. સુશાંતની આગામી ફિલ્મ દિલ બેચારા પણ રિલીઝ માટે લગભગ તૈયાર છે. આ સિવાય સુશાંતની લવ લાઈફની વાત કરીએ તો તે અભિનેત્રી રિયા ચક્રબર્તી સાથે પોતાના રિલેશનને લઈને ચર્ચામાં રહેતા હતા.