મુંબઈઃ તાપસી પન્નુ  પોતાની વાત ખુલીને મીડિયા સામે રાખે છે. અને આજ કારણ છે કે તે હંમેશા ચર્ચાનું કેન્દ્ર બને છે. તાપસી હાલમાં ફરી કંઇક તેવું જ કર્યું છે જેના કારણે તે ચર્ચાનું કેન્દ્ર બની છે. વાત છે નેહા ધૂપિયાના પોડકાસ્ટ શો ‘નો ફિલ્ટર નેહા’ની, જ્યાં તાપસી ઇન્ટરવ્યૂ આપવા માટે પહોંચી હતી. તેવામાં નેહાના એક સવાલ પર તાપસીએ તેવો જવાબ આપ્યો કે તે સમાચારમાં છવાઇ ગઇ. તાપસીએ અનિલ કપૂરના પુત્ર હર્ષવર્ધન કપૂરને સ્ટારકિડ હોવાનો ફાયદો મળ્યો હોવાની વાત ઉચ્ચારી છે.


શોમાં નેહા ધુપિયા તાપસીને પુછે છે કે, એવા કોઈ કલાકારનું નામ આપો કે જેના માતા પિતા જો ઈન્ડસ્ટ્રીમાં ન હોત તો તે ફિલ્મ જગતની બહાર હોત. એના જવાબમાં સીધું તાપસીએ હર્ષવર્ધન કપૂરનું નામ લીધું. તાપસીએ કહ્યું કે, મને લાગે છે કે હર્ષવર્ધન કપૂર… કારણ કે મે એનું જેટલું કામ જોયું એ પ્રમાણે મને લાગે છે કે પહેલી ફ્લોપ ફિલ્મ આપ્યા બાદ તેને બીજી ફિલ્મ મળવી જ મુશ્કેલ હતી.

હર્ષવર્ધને 2016માં ફિલ્મ મિર્જયાથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે 2018માં ભાવેશ જોશી સુપરહિરોમાં જોવા મળ્યા હતા. પરંતુ આ બન્ને ફિલ્મો સુપર ફ્લોપ સાબિત થઈ. તાપસી પન્નુની ફિલ્મની વાત કરીએ તો તે હાલમાં સાંઢ કી આંખમાં જોવા મળી છે. ફિલ્મમાં તેમની સાથે ભૂમિ પેડનકર પણ હતી. અને આ ફિલ્મ બે વયોવૃદ્ધ શાર્પ શૂટર ચંદ્રો અને પ્રકાશી તોમરના જીવન પર આધારિત હતી.