મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દિશા વાકાણી ટૂંકમાં જ પરત ફરશે. બે વર્ષ બાદ દયાભાભી પરત ફરવાથી ફેન્સની સાથેસાથે કો સ્ટાર્સ પણ ઉત્સાહિત છે. રોશનભાભી એટલે કે જેનિફર મિસ્ત્રી બંસીવાલાએ એક ઇન્ટરવ્યૂમાં દિશા વાકાણીના પરત આવવા અંગે અને રિયલ લાઈફમાં દિશા વાકાણી કેવી છે તેના વિશે વાત કરી હતી.

જેનિફરે ઈન્ટરવ્યૂમાં કહ્યું, “દિશાના આવવાના સમાચાર સાંભળીને અમે બધા ખૂબ ખુશ છીએ. અમે ક્યારના સાંભળી રહ્યા છે કે તે પાછી આવવાની છે પરંતુ હજુ સુધી કોઈ ઓફિશિયલ જાહેરાત થઈ નથી. પરંતુ દિશા પાછી આવી જશે તો સૌથી વધારે ખુશી મને થશે. તેનું કમબેક માત્ર શો માટે નહીં તેના પોતાના માટે પણ ફાયદાકારક રહેશે કારણકે તે ટેલેન્ટેડ એક્ટ્રેસ છે.”



દિશા વાકાણી સાથે ટચમાં છે કે નહીં તેના પર જેનિફરે કહ્યું કે, હું અને દિશા રીલ લાઈફની જેમ રિયલ લાઈફમાં પણ પાડોશી છીએ. પવઈમાં અમારું ઘર એકબીજાની પાડોશમાં જ છે. જો કે, અમારી વચ્ચે રૂબરૂ મુલાકાતો વધારે નથી થતી. જોકે અમે દરેક તહેવારે એકબીજાને શુભેચ્છા પાઠવીએ છીએ. ઉપરાંત ફોન અને મેસેજથી લગભગ રોજ એકબીજા સાથે વાત કરીએ છીએ.



આગળ દિશા વિશે તેણે કહ્યું કે, દિશા સેટ પર જરાપણ નખરા નથી કરતી. દિશા શોમાં હતી ત્યારે તે ટીવી ઈન્ડસ્ટ્રીના મોટા સ્ટાર્સ પૈકી એક હતી. ટીવીનો સૌથી જાણીતો ચહેરો હોવા છતાં તે ખૂબ ડાઉન ટુ અર્થ છે. તેનો સ્વભાવ મળતાવડો છે. હું દિશાને ઘણીવાર કહું છું કે જો મારી પોપ્યુલારિટી 5 ટકા પણ તારા જેટલી હોત તો હું તો સાતમા આસમાને પહોંચી ગઈ હોત. પરંતુ તે બધાથી અલગ છે. તે હંમેશા શાંત અને ખુશ હોય છે. અમે તેને ક્યારેય ગુસ્સે થતા જોઈ નથી. ક્યારેક હું તેને કહું છું કે, દિશા તને ગુસ્સો કેમ નથી આવતો. ત્યારે તે કહેતી હોય છે કે શા માટે ગુસ્સો કરવો. આપણે જતું કરતા શીખવું જોઈએ.