35 વર્ષના ગોડફ્રે ગાઓ ચીનમાં રિયાલિટી ટીવી શો ‘ચેઝ મી’નું શૂટિંગ કરી રહ્યો હતો. તે આ શોમાં મહેમાન સ્પર્ધક તરીકે જોડાયો હતો. પરંતુ અચાનક કંઈક એવું બન્યું કે તે આ શોના સેટ પર જ પડી ગયો. આ અકસ્માતને કારણે ગાઓનું મોત નીપજ્યું હતું. હોસ્પિટલનું કહેવું છે કે ગાઓનું મૃત્યુ કાર્ડિયાક એરેસ્ટને કારણે થયું. તેના મૃતદેહને ગુરુવારે ફરી તાઇવાન લઈ જવામાં આવશે.
આ મામલે જ્યારે શોના પ્રોડ્યૂસરને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, ટીમ ઈવેન્ટ દરમિયાન તે પડી ગયો હતો અને તેના કારણે મોત થયું. ‘શૂટિંગ ચાલી રહ્યું હતું તે સમયે તે નીચે પડ્યો અને તેને ભાન જ ન રહ્યું. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો જ્યાં તેનું મોત થઈ ગયું’.
વર્ષ 2011માં લક્ઝરી બ્રાન્ડ લુઈ વિટોનના એડ કેમ્પેન માટે સિલેક્ટ થનારો ગાઓ પહેલો એશિયાઈ મેલ મોડલ હતો. જે બાદ તેણે હોલિવુડમાં પોતાનું ઓળખ બનાવી. ગાઓ ચીનમાં એક જાણીતું નામ છે.