નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષ અને સુન્ની વક્ફ બોર્ડના વકીલ રહેલ રાજીવ ધવન ફરી એક વખત ચર્ચામાં છે. તેમણે નિવેદન આપ્યું છે કે, દેશમાં શાંતિ અને સૌહાર્દ હિન્દુ બગાડે છે. રાજીવ ધવને એએનઆઈ સાથે વાતચીતમાં હક્યું, “દેશમાં શાંતિ-સૌહાર્દ હિન્દુ બગાડે છે મુસ્લિમ નહીં”.

રાજીવ ધવનના આ નિવેદન પર તેમની ખૂબ ટીકા કરવામાં આવી રહી છે. જોકે પોતાના નિવેદન પર બધી બાજુએથી ઘેરાયા બાદ તેમણે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, તેના નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું છે.



પોતાના નિવેદનની નિંદા થયા બાદ રાજીવ ધવને કહ્યું કે તેમણે જે કહ્યું છે તેને વિચિત્ર રીતે રજૂ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, “આ ટીવી દ્વારા કરવામાં આવેલી મજાક છે. હું જ્યારે હિન્દુઓની વાત કરું છું તો એનો મતલબ એવો નથી કે હું તમામ હિન્દુઓની વાત કરું છું.”


ધવને આગળ આરએસએસ પર નિશાન તાકીને કહ્યું, “જ્યારે બાબરી મસ્જિદ મામલે હિન્દુ શબ્દનો ઉપયોગ થાય છે તેનો મતલબ સંઘ પરિવાર થાય છે. મેં કોર્ટમાં કહ્યું હતું કે જેમણે બાબરી મસ્જિદ તોડી તેઓ હિન્દુ તાલિબાન છે. હું સંઘ પરિવારના વર્ગોની વાત કરું છું જે હિંસા અને લિંચિંગ જેવી બાબતોને સમર્પિત છે.”


જણાવી દઈએ કે રાજીવ ધવનની અયોધ્યા મામલે સુનાવણી દરમિયાન નિંદા થઈ હતી જ્યારે તેમણે હિન્દુ પક્ષ તરફથી રજૂ કરાયેલો પિક્ટોરિયલ મેપ ફાડી નાખ્યો હતો.