Aditya Singh Rajput Death: સ્પ્લિટ્સવિલા ફેમ અભિનેતા આદિત્ય સિંહ રાજપૂતનું સોમવારે તેના ઘરે શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. આદિત્યના આકસ્મિક અવસાનથી બધાને આઘાત લાગ્યો છે. તે જ સમયે પોલીસ અભિનેતાના મૃત્યુનું ચોક્કસ કારણ શોધવાનો પ્રયાસ કરી રહી છે અને તપાસ કરી રહી છે. આ બધાની વચ્ચે આદિત્યનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું છે. પોલીસ પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી હતી. જો કે રિપોર્ટમાં શું આવ્યું છે તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી.
આદિત્ય સિંહ રાજપૂતનું પોસ્ટમોર્ટમ
ન્યૂઝ એજન્સી ANIએ મુંબઈ પોલીસને ટાંકીને કહ્યું કે, “આદિત્ય સિંહ રાજપૂતનું પોસ્ટમોર્ટમ મંગળવારે કરવામાં આવ્યું હતું. ડોક્ટરોએ મોતના કારણનો રિપોર્ટ રિઝર્વમાં રાખ્યો છે. આદિત્યના વિસેરાના નમૂના પણ ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. પોલીસને અભિનેતાના ઘરેથી તપાસ દરમિયાન કેટલીક દવાઓ પણ મળી છે, જેને પોલીસે કબજે કરી લીધી છે.તેનો મૃતદેહ તેના પરિવારને સોંપવામાં આવ્યો છે અને તેના અંતિમ સંસ્કાર ઓશિવારા સ્મશાનમાં કરવામાં આવશે.
આદિત્ય સિંહ રાજપૂતે ઘણી ફિલ્મો કરી
મૂળ દિલ્હીના રહેવાસી આદિત્ય સિંહ રાજપૂતે 17 વર્ષની ઉંમરે મોડલિંગથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તે અભિનેતા બનવા મુંબઈ આવ્યો. તેણે 'ક્રાંતિવીર' અને 'મૈંને ગાંધી કો નહીં મારા' જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેણે સ્પ્લિટ્સવિલા 9 સહિત ઘણા રિયાલિટી શોમાં પણ ભાગ લીધો હતો. તેણે લવ, આશિકી, કોડ રેડ, આવાઝ સીઝન 9, બેડ બોય સીઝન 4 અને ઘણી એડ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.
આદિત્યએ પોતાની 'પોપ કલ્ચર' બ્રાન્ડ પણ શરૂ કરી
ફિલ્મો અને ટેલિવિઝનમાં તેની કારકિર્દી ઉપરાંત આદિત્યએ તાજેતરમાં 'પોપ કલ્ચર' બ્રાન્ડ સાથે તેની ઉદ્યોગસાહસિક યાત્રા પણ શરૂ કરી હતી. તે આ બ્રાન્ડ હેઠળ કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે કામ કરીને પોતાની ઓળખ બનાવી રહ્યો હતો. તાજેતરના અહેવાલો મુજબ, તેની બ્રાન્ડ સારી કામગીરી કરી રહી હતી.