TMKOC introduces Nattu Kaka: ટીવી સિરિયલના ઈતિહાસમાં સૌથી વધુ પ્રસિદ્ધ અને લાંબા સમયથી ચાલી રહેલી સિરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના પાત્રો લોકોના દિલોમાં વસી ગયા છે. આ સિરિયલનું આવું જ એક પાત્ર નટુકાકા હતા. નટુકાકાનું પાત્ર ભજવતા ઘનશ્યામ નાયકનું ગયા વર્ષે અવસાન થયું હતું. તેઓ બિમારીના કારણે છેલ્લા બે વર્ષોથી સિરિયલમાં નહોતા દેખાતા. તેમના અવસાન બાદ હવે અસિત મોદી તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં નવા "નટુકાકા" લાવ્યા છે.


તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં અસિત મોદીએ નટુકાકાનું પાત્ર ભજવનાર નવા કલાકારનો પરીચય કરાવ્યો છે. આ સાથે અસિત મોદીએ જણાવ્યું છે કે, જ્યારે પણ ગડા ઇલેક્ટ્રોનિક્સની વાત આવે ત્યારે નટુકાકાની યાદ આવે છે. જોકે ઘનશ્યામ નાયક હવે આપણી વચ્ચે નથી. તેઓ આપણને છોડીને જતા રહ્યા છે. તેઓ જ્યાં પણ હશે ત્યાં ગડા ઇલેક્ટ્રોનિક્સની કોમેડી જોઈને હસતા હશે અને યાદ કરતા હશે. એ જ નટુકાકાએ હવે નવા નટુકાકા મોકલ્યા છે.


કોણ છે નવા નટુકાકાઃ
ગડા ઈલેક્ટ્રોનિક્સમાં નટુકાકા તરીકે કામ કરવા જઈ રહેલા નવા નટુકાકાનું નામ કિરણ ભટ્ટ છે અને તેઓ ગુજરાતી છે. કિરણ ભટ્ટ થિયેટરમાં કામ કરે છે. કિરણ ભટ્ટ થિયેટર ડિરેક્ટર, પ્રોડ્યુસર તથા આર્ટિસ્ટ છે. 2019માં કિરણ ભટ્ટે 'વેવાઈ V/S વેવાઈ' નાટક ડાયરેક્ટ કર્યું હતું. હાલમાં તેમણે ડાયરેક્ટ કરેલું નાટક 'સગપણ તને સાલમુબારક'ના ચાલી રહ્યું છે. ત્યારે હવે તેઓ નટુકાકાના પાત્રમાં જોવા મળશે.



ગુજરાતી કલાકાર ઘનશ્યામ નાયકને કેન્સર થયું હતું અને તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. નટુકાકાની કેન્સરની સારવાર ચાલી રહી હતી એ દરમિયાન તેમની તબિયત ખરાબ થતાં હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું ગયા વર્ષે 3 ઓક્ટોબરના દિવસે અવસાન થયું હતું.