The Kapil Sharma Show: ફેમસ કોમેડિયન કપિલ શર્મા આ દિવસોમાં ચર્ચામાં છે. કપિલનો શો 'કપિલ શર્મા શો' ટીવી ચેનલ પર ખાસો સુપરહિટ રહ્યો છે. શોમાં દરરોજ એક યા બીજા સ્ટાર પોતાની ફિલ્મના પ્રમોશન માટે આવતા રહે છે. પરંતુ હવે આ શો તેના એક દિગ્ગજ કલાકારને લઈને વિવાદનું કારણ બન્યો છે. 


વાત એમ છે કે, તાજેતરમાં જ કૃષ્ણા અભિષેક આ શોમાં પાછો ફર્યો છે, જેના કારણે ચાહકો ખૂબ જ ખુશ છે. પરંતુ આ દરમિયાન એક સમાચાર સામે આવ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે, કૃષ્ણા અને કપિલ વચ્ચે ફરી એકવાર ઝઘડો થયો છે. જેને લઈને તેણે કપિલ શર્મા સાથે જવાનું પણ ટાળ્યું છે. 


કપિલ શર્મા અને કૃષ્ણા અભિષેક વચ્ચે અણબનાવ?


વાસ્તવમાં, કોમેડિયન કપિલ શર્મા અને તેની ટીમ અમેરિકાના પ્રવાસે જવા માટે તૈયાર છે. દર વર્ષે કપિલ અને તેની ટીમ આવી ટુર કરીને લોકોનું મનોરંજન કરે છે. હવે આ વખતે કપિલ તેની ટીમ સાથે અમેરિકા જવાનો છે. પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે, કૃષ્ણા અભિષેક આ ટીમનો ભાગ બન્યો નથી. આ કારણથી લોકોમાં ચર્ચા જાગી છે કે, શું ફરી એકવાર કપિલ અને કૃષ્ણા અભિષેક વચ્ચે અણબનાવ થયો છે? કપિલ અને તેની ટીમે ખુલાસો કર્યો છે કે, એ સૌકોઈને અમેરિકાના વિઝા મળી ગયા છે પરંતુ કૃષ્ણા અભિષેક અમેરિકા જવાનો નથી. કારણ કે કૃષ્ણાના પ્રોજેક્ટની તારીખો કપિલની અમેરિકાની ટૂર સાથે જ છે. આ જ કારણ છે કે કૃષ્ણા અમેરિકા જતી ટીમનો ભાગ બની શકશે નહીં.


મીડિયા સાથેની વાતચીતમાં જ્યારે કૃષ્ણાને પૂછવામાં આવ્યું કે, શું તેમની અને કપિલ વચ્ચે કોઈ ઝઘડો છે? તો કૃષ્ણાએ આ મામલે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, 'અમારી વચ્ચે કોઈ મુદ્દો નથી. પરંતુ અમારી બીજા પણ કમિટમેન્ટ્સ હોય છે. માટે હું તેને પહેલા પુરા કરવાનો પ્રયાસ કરીશ. અમેરિકા જવા મામલે જવાબ આપતા કૃષ્ણાએ કહ્યું હતું કે, હું પણ અમેરિકા જઈશ પરંતુ હાલ નહીં બાદમાં જઈશ. 


ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ કપિલ શર્મા શો ને લઈને વિવાદ સર્જાતા રહે છે. આ અગાઉ પણ કેટલાક કોમેડિયન્સ કપિલનો શો છોડી ચુક્યા છે. એ પણ કપિલ સાથેના અણબનાવને કારણે જ. કપિલના શોમાં ડોક્ટર મશુર ગુલાટીના નામથી જાણીતો બનેલો સુનિલ ગ્રોવર પણ કપિલ શર્માનો શો છોડી ચુક્યો છે. સુનિલ ગ્રોવર અને કપિલ શર્મા વચ્ચે વિવાદ એ હદે વધી ગયો હતો કે, બંને વચ્ચે નોબત છેક છુટ્ટાહાથની મારામારી પર આવી ગઈ હતી. તે પણ જમીનથી હજારો ફૂટ ઉંચે વિમાનમાં જ.