Indian Cricket Team, ICC Rankings: ICC ટેસ્ટ રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં ભારતને પછાડીને ઓસ્ટ્રેલિયન ટીમ ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોપ પર આવી ગઈ છે. જોકે, ભારતીય ટીમ વન-ડે અને ટી-20 રેન્કિંગમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. ICC ODI અને T20 રેન્કિંગમાં ટીમ ઈન્ડિયા ટોપ પર યથાવત છે, પરંતુ ટેસ્ટ ફોર્મેટમાં કાંગારૂઓએ ભારતને મોટો ઝટકો આપ્યો છે.






ICC ટેસ્ટ રેન્કિંગમાં કેટલો બદલાવ આવ્યો છે?


ICC ટેસ્ટ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયા 124 રેટિંગ પોઈન્ટ સાથે ટોચ પર છે. ભારતીય ટીમ 120 રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. આ રીતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 રેટિંગ પોઈન્ટનો તફાવત છે. જ્યારે ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ 105 રેટિંગ પોઈન્ટ સાથે ઓસ્ટ્રેલિયા અને ભારત પછી ત્રીજા સ્થાને છે. દક્ષિણ આફ્રિકા 103 રેટિંગ પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. આ ટોપ-4 ટીમો સિવાય બાકીની ટીમોના રેટિંગ પોઈન્ટ 100થી ઓછા છે. વાસ્તવમાં ભારતીય ટીમે 2020-21ની ટેસ્ટ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું હતું, પરંતુ હવે આ ટેસ્ટ શ્રેણીને રેન્કિંગમાંથી હટાવી દેવામાં આવી છે. જેના કારણે ભારતીય ટીમને પરિણામ ભોગવવું પડ્યુ હતુ.


ટીમ ઈન્ડિયાનો વન-ડે અને ટી-20 ફોર્મેટમાં દબદબો યથાવત


જો કે, ભારતીય ચાહકો માટે સારા સમાચાર છે કે ટીમ ઈન્ડિયા ICC ODI અને T20 ફોર્મેટમાં ટોચ પર છે. આ બંને ફોર્મેટમાં ભારતીય ટીમનો દબદબો યથાવત છે. તાજેતરમાં જ ICC ODI વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું હતું. પરંતુ તેમ છતાં ટીમ ઈન્ડિયા વન-ડે ફોર્મેટમાં ટોપ પર છે.