Mahekk Chahal Comeback On Naagin 6:  જાણીતી ટીવી એક્ટ્રેસ મહેક ચહલ ફરીથી કામ પર પાછી ફરી છે. થોડા સમય પહેલા અભિનેત્રીની તબિયત ઘણી બગડી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાં હાજર ડોક્ટરે તેની સારવાર શરૂ કરી હતી તે દરમિયાન તેની તબિયત એ હદે ખરાબ હતી કે તેને વેન્ટિલેટર પર પણ રાખવાની ફરજ પડી હતી. જેને લીધે ચાહકોના જીવ પડીકે બંધાયા હતા. જો કે હવે અભિનેત્રી એકદમ સ્વસ્થ છે. મહેકે સોશિયલ મીડિયા પર તેની એક તસવીર શેર કરી છે. જેમાં તે 'નાગિન 6'ના સેટ પર જોવા મળી રહી છે.


ટીવી એક્ટ્રેસ મહેક ચહલ કામ પર પરત ફરી


હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ એક્ટ્રેસ મહેક કામ પર પાછી ફરી છે. આ દિવસોમાં તે 'નાગિન 6'માં જોવા મળી રહી છે. અભિનેત્રી પોતાની બીમારીમાંથી સ્વસ્થ થતાંની સાથે જ શોમાં પાછી આવી ગઈ છે અને ચાહકો સાથે તેની ઝલક પણ શેર કરી છે. મહેકે તેની ઈન્સ્ટા સ્ટોરી પર શોના સેટ પરથી એક ફોટો શેર કર્યો છે.  જેની સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે "હું પરત આવી ગઈ છું." આ દરમિયાન મહેક જાંબલી રંગની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.



મહેક ચહલને આ બીમારી હતી


મહેક ચહલને ન્યુમોનિયા થયો હતો. અભિનેત્રીએ જણાવ્યું હતું કે તેને 2 જાન્યુઆરી 2023ના રોજ દાખલ કરવામાં આવી હતી. તે ICUમાં વેન્ટિલેટર પર હતી. તેનો ઓક્સિજન વારંવાર ઉપર અને નીચે જતો રહેતો હતો. તેણે એ પણ જણાવ્યું કે તેના બંને ફેફસાંમાં ચેપ લાગ્યો હતો. વેલ, હવે અભિનેત્રી એકદમ ફિટ એન્ડ ફાઈન છે અને કામ પર પણ પાછી ફરી છે. મહેકના કરિયરની વાત કરીએ તો તે અત્યાર સુધી 'છોડો ના યારા', 'યમલા પગલા દિવાના' અને 'મુંબઈ કટિંગ' જેવી ફિલ્મોમાં જોવા મળી છે. આ સિવાય તે વિવાદાસ્પદ શો 'બિગ બોસ 5'માં પણ જોવા મળી છે. હાલમાં તે તેજસ્વી પ્રકાશ સ્ટારર શો 'નાગિન 6'માં જોવા મળી રહી છે.