Taarak Mehta Ka Ooltah Chashmah : અભિનેતા શૈલેષ લોઢાએ જ્યારે 6 મહિના પહેલા અચાનક જ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છોડી દીતા ચાહકો ચોંકી ગયા હતા. શૈલેષ લોઢા આ શોમાં તારક મહેતાનું પાત્ર ભજવી રહ્યા હતા. તેમને અસિત મોદીના શોનો 'બેકબોન' માનવામાં આવતા હતાં. આ સ્થિતિમાં જ્યારે શૈલેષ લોઢાએ અચાનક 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છોડી દીધી ત્યારે તેને આંચકો લાગવો સ્વાભાવિક હતો. શૈલેષ લોઢાના એક્ઝિટ પર તમામ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. ક્યારેક એવું કહેવામાં આવે છે કે તેની મેકર્સ સાથે ઝઘડો થયો છે તો ક્યારેક એવું કહેવામાં આવ્યું છે કે શૈલેષ લોઢાએ તેમના નવા શોને કારણે 'તારક મહેતા'ને અલવિદા કહ્યું. પરંતુ હવે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. 


અહેવાલ છે કે મેકર્સે હજુ સુધી શૈલેષ લોઢાને તેની બાકી રકમ આપી નથી. તેમને શો છોડ્યાને 6 મહિના વીતી ગયા છતાંયે આ રકમ હજી બાકી જ છે. એક અહેવાલ મુજબ શોના નિર્માતાઓએ શૈલેષ લોઢાને એક વર્ષથી વધુ સમયથી તેના પૈસા આપ્યા નથી. શૈલેષ લોઢા તેમના પૈસા મેળવવા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ નિર્માતા અસિત મોદી તેના પર કોઈ ધ્યાન આપી રહ્યા નથી. શૈલેષ લોઢાએ એપ્રિલ 2022માં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને અલવિદા કહી દીધું હતું.


આ કારણે શૈલેષ લોઢાએ છોડ્યો હતો 'તારક મહેતા'?


રિપોર્ટ અનુસાર, સૂત્રએ જણાવ્યું કે શૈલેષ લોઢાએ 'તારક મહેતા' છોડી દીધો કારણ કે તેમનો મેકર્સ સાથે ઝઘડો થયો હતો. શૈલેષ લોઢા શોમાં અપમાનિત અનુભવી રહ્યા હતા અને તેથી કોઈ પણ સૂચના આપ્યા વિના શો છોડી દીધો હતો. સૂત્રના જણાવ્યા અનુસાર, ત્યારથી શૈલેષ મૌન સેવી રહ્યાં છે.


નેહા મહેતાના પણ રૂપિયા 40 લાખ છે બાકી 


આ કંઈ પહેલીવાર નથી કે જ્યારે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના નિર્માતાઓએ શોમાં કામ કરતા કલાકારોના લેણાંની ચુકવણી ના કરી હોય. સૂત્રએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી અભિનેત્રી નેહા મહેતાના પણ 30થી 40 લાખ રૂપિયા બાકી છે જે આપવાના બાકી છે. આ શોમાં નેહા મહેતા તારક મહેતાની પત્નીના રોલમાં હતી. તેણે પણ 2022માં શો છોડી દીધો હતો.


મેકર્સ દ્વારા પૈસા ન આપવા પર શૈલેશે કહ્યું હતું કે... 


રિપોર્ટ અનુસાર જ્યારે શૈલેષ લોઢાને આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે તેના પર કોઈ આશ્ચર્ય વ્યક્ત કર્યું નહોતું. તેમણે કહ્યું હતું કે, આ કોઈ નવી વાત નથી. તે હવે કવિતાના માર્ગે છે અને પરત ફર્યા પછી વાત કરશે. જાણીતું છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા કલાકારોએ 'તારક મહેતા'ને કોઈને કોઈ કારણસર અધવચ્ચે જ છોડી દીધી હતી. લાંબા સમયથી આ શો વિવાદોમાં ઘેરાયેલો છે. હવે કલાકારોને ના ચુકવાતી ફીના કારણે શો ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે.