Allu Ramesh Passed Away: તેલુગુ અભિનેતા અલ્લુ રમેશનું મંગળવારે કાર્ડિયાક અરેસ્ટથી અવસાન થયું. તેઓ 52 વર્ષના હતા, અલ્લુ રમેશના અવસાનના સમાચારથી તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. અભિનેતાના આકસ્મિક નિધન પર તમામ સેલેબ્સ અને ચાહકોએ શોક વ્યક્ત કર્યો છે. તે જ સમયે તેલુગુ ફિલ્મ નિર્માતા આનંદ રવિએ માહિતી આપી છે કે અભિનેતા તેમના મૃત્યુ સમયે તેમના વતન વિશાખાપટ્ટનમમાં હતા. સ્વર્ગસ્થ અભિનેતાના પરિવારમાં તેની પત્ની અને બે પુત્રો છે.
આનંદ રવિએ તસવીર શેર કરીને અલ્લુ રમેશના મૃત્યુના સમાચાર આપ્યા છે.
ફિલ્મ નિર્માતાએ દિવંગત અભિનેતા સાથેની પોતાની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ સાથે તેણે લખ્યું કે, “પહેલા દિવસથી જ તમે મારો સૌથી મોટો સહારો છો. હું હજી પણ મારા હૃદય અને મગજમાં તમારો અવાજ સાંભળી શકું છું. રમેશ ગરુ, તમારા અવસાનને સાચું માની શકતો નથી. તમે મારા જેવા ઘણા હૃદયોને સ્પર્શી લીધા છે. મિસ યુ ઓમ શાંતિ."
અલ્લુ રમેશે ઘણી ફિલ્મોમાં કોમિક ભૂમિકા ભજવીને પ્રશંસા મેળવી હતી
વિઝાગના રહેવાસી અલ્લુ રમેશે થિયેટર ક્ષેત્ર દ્વારા ફિલ્મોમાં કારકિર્દીની શરૂઆત કરી હતી. અલ્લુ રમેશ તેની ઘણી કોમિક ભૂમિકાઓ માટે પ્રખ્યાત હતા.તેમણે 2001માં આવેલી ફિલ્મ 'ચિરુજલ્લુ'થી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તેણે 'ટોલુ બોમ્મલતા', 'મથુરા વાઈન', 'વીધી', 'બ્લેડ' 'બાબજી અને નેપોલિયન' જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. તે છેલ્લે 2022માં આવેલી ફિલ્મ 'અનુકોની પ્રાયનમ'માં જોવા મળ્યા હતા. સીરિઝ 'મા વિડકુલુ'માં લીડ એક્ટ્રેસના પિતાની ભૂમિકા ભજવવા બદલ તેને ઘણી પ્રશંસા પણ મળી રહી હતી.અલ્લુ રમેશની મજબૂત અભિનય કુશળતા અને કોમિક ટાઈમિંગે તેમને દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય સ્ટાર બનાવ્યો હતો. 'નેપોલિયન' અને 'થોલુબોમલતા' જેવી ફિલ્મોએ તેમને પ્રશંસા અને ઓળખ અપાવી.