The Kashmir Files : તાજેતરમાં જ ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના કારણે ચર્ચામાં આવેલા પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક અને નિર્માતા વિવેક અગ્નિહોત્રી ( Vivek Agnihotri)ને 'Y' કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સુરક્ષા તેમને CRPFના જવાનો દ્વારા આપવામાં આવશે અને આ સુરક્ષા સમગ્ર ભારત માટે છે. એટલે કે તેઓ જ્યાં જશે, તેમને દરેક જગ્યાએ આ સુરક્ષા મળશે. તાજેતરની તેમની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના વખાણ થઈ રહ્યા છે ત્યારે તે કટ્ટરવાદીઓના નિશાના પર પણ આવી ગયા છે. હુમલાની સંભાવનાને જોતા સરકારે તેમને આ સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે.


ધ કાશ્મીર ફાઇલ્સને કારણે રાજકારણ ગરમાયું 


વિવેક અગ્નિહોત્રી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નવું નામ નથી. તેઓ  ઘણા વર્ષોથી બોલિવૂડમાં છે અને તેમણે ઘણી ફિલ્મો કરી છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તે ઘણી ચર્ચામાં છે. હાલમાં જ તેની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' રિલીઝ થઈ છે. આ અંગે રાજકારણ ગરમાયું છે. આ ફિલ્મમાં કાશ્મીરી પંડિતો પર થતા અત્યાચાર અને તેમને ત્યાંથી કેવી રીતે ભાગી જવા માટે મજબૂર કરવામાં આવ્યા તે બતાવવામાં આવ્યું છે. આ અંગે જ વિવાદ છે. મોટી સંખ્યામાં એવા લોકો છે જેઓ તેનો વિરોધ કરી રહ્યા છે. સાથે જ તેને સપોર્ટ કરનારા લોકોની સંખ્યા પણ ઘણી છે. આ તમામ વિવાદોને કારણે વિવેક ચર્ચામાં છે અને હવે તેના પર હુમલાનો ખતરો પણ વધી ગયો છે.


કાશ્મીરી પંડિતોના બલિદાનની ગાથા આખી દુનિયા સામે આવી : અમિત  શાહ


કાશ્મીર ફાઈલ્સની ટીમને મળ્યા બાદ ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું હતું કે, “પોતાના જ દેશમાં પોતાનું ઘર છોડવા મજબૂર થયેલા કાશ્મીરી પંડિતોના બલિદાન, અસહ્ય દર્દ અને સંઘર્ષનું સત્ય આ ફિલ્મ દ્વારા સમગ્ર લોકો સમક્ષ આવી ગયું છે. જે ખૂબ જ પ્રશંસનીય પ્રયાસ છે. કાશ્મીર ફાઈલ્સ એ સત્યનું સાહસિક પ્રતિનિધિત્વ છે.આ પ્રકારની ઐતિહાસિક ભૂલોનું પુનરાવર્તન ન થાય તે દિશામાં સમાજ અને દેશને જાગૃત કરવાનું કામ કરશે. હું આ ફિલ્મ બનાવવા માટે સમગ્ર ટીમને અભિનંદન આપું છું.”