મુંબઈઃ સલમાન ખાનની ફિલ્મ ‘વીરગતિ’થી પોાતની ફિલ્મ કારકિર્દીની શરૂઆત કરનાર પૂજા ડડવાલે ‘દબદબા’, ‘સિંદૂર કી સૌગંધ’, ‘હિન્દુસ્તાન’, ‘જીને નહીં દૂંગી’, ‘મૈડમ નંબર 1’, ‘કુછ કરો ના’, ‘મૃત્યુ’, ‘તુમસે પ્યાર હો ગયા’ સહિત અનેક ટીવી સીરિયલમાં પણ કામ કર્યું હતું. 90 દાયકાની હિરોઈન પૂજા ડડવાલની આગળ પાછળ એક સમયે લોકોની ભીડ જોવા મળતી હતી, પરંતુ આજે તે ખુદ ભીડમાં ખોવાઈ ગઈ છે.


હાલ પૂજા સલમાન ખાન અને બોલિવૂડના દિગ્ગજોથી કામ માગી રહી છે. એક જાણીતા અખબાર સાથે વાતચીતમાં પૂજાએ કહ્યું કે, ’હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક દોસ્તોને મળું છું. લોકો પાસે કામ માગી રહી છું. લોકો મને આશ્વાસન પણ આપી રહ્યાં છે કે કામ મળી જશે પરંતુ મારી પાસે હવે ધીરજ નથી બચી. હું એ નથી ઈચ્છતી કે ફરી એકવાર હું પથારીમાં પડી જઉં અને ત્યારે મને મદદ મળે. મને કોઈની પણ દયા ન જોઈએ. કામ જોઈએ. હું એક સારી એક્ટ્રેસ છું. એક્ટિંગનું કામ પણ સારી રીતે જાણું છું.’



પૂજાએ કહ્યું કે, અત્યાર સુધીમાં મને કોઈ કામ નથી મળ્યું. મારી પાસે રુપિયા નથી પરંતુ મને આત્મવિશ્વાસ છે. હું મારી રોજગારી માટે ટિફિન સર્વિસનું કામ કરું છું. મેં આ કામ 3 દિવસ પહેલા જ ચાલુ કર્યું હતું. મને કંઈ જ સમજમાં નથી આવતું કે હું શું કરું? ત્યારે મારા દોસ્ત અને ડિરેક્ટર રાજેન્દ્ર સિંહે મને ટિફિન સેવા કામ શરુ કરવાની સલાહ આપી. તેમણે આ કામ માટે મને જગ્યા અને સામાન પણ મગાવીને આપ્યા.’

‘હવે હું અહીં જ કામ કરી રહી છું. ચાર દિવસ પહેલા મારી પાસે રહેવા માટે જગ્યા નહોતી. આજે રહેવાની જગ્યા અને ભોજન મળી રહ્યું છે. હવે મારે સલમાન ખાનને મળીને આભાર પણ માનવો છે. તેમણે જ મને નવું જીવન આપ્યું છે. મારા માટે સલમાન પણ ભગવાન છે. જ્યારે હું ડેથ બેડ પર હતી ત્યારે ભગવાને સલમાનને જ મારી મદદ માટે મોકલ્યો હતો.’

નોંધનીય છે કે ગત વર્ષે માર્ચ મહિનામાં પૂજા ટીબીની ગંભીર બીમારીથી પીડિત હતી. ત્યારે પૂજા પાસે સારવાર માટે કોઈ જ રુપિયા નહોતા. સલમાન ખાને પોતાની દેખરેખમાં 9થી 10 મહિના સુધી સારવારનો ખર્ચો ઉઠાવ્યો હતો. જ્યારે તે સમગ્ર રીતે ઠીક થઈ ગઈ તો પોતાના ખર્ચે ગોવામાં રેન્ટલ હાઉસમાં શિફ્ટ પણ કરવામાં આવ્યા હતાં.