મુંબઇઃ ભારતમાં સસ્તી મોબાઇલ સેવાના દિવસો સમાપ્ત થઇ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. વોડાફોન-આઇડિયા, ભારતી એરટેલ બાદ હવે રિલાયન્સ જીઓ પણ તેના ટેરિફ વધારવાની જાહેરાત કરી છે. Jioએ તેના એક નિવેદનમાં જણાવ્યું કે, આગામી થોડાંક સપ્તાહમાં કંપની તેના ટેરિફમાં વધારો કરશે. નોંધનિય છે કે, એક દિવસ પહેલાં જ અન્ય બે હરિફ ટેલિકોમ કંપની વોડાફોન-આઇડિયા અને એરટેલે 1લી ડિસેમ્બરથી તેના ટેરિફ વધારવાની જાહેરાત કરી છે.

રિલાયન્સ જિઓના સબ્સક્રાઈબર ભલે વધારે હોય પણ કંપની સતત નુક્સાન કરી રહી છે. માર્કેટમાં પરફોર્મન્સ દર્શાવનાર એવરેજ રેવન્યુ પર કસ્ટમર (ARPU)ના મુદ્દે જિયા વૉડાફૉન આઈડિયા અને ભારતી એરટેલથી પણ પાછળ છે. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં પણ જિઓની એવરેજ રેવન્યુ પ્રતિ કસ્ટમર 3 ટકા ઘટીને 118 રૂપિયા થઈ ગઈ હતી. માર્કેટમાં સ્થિતિ વધારે સારી કરવા માટે જિઓએ પણ એરટેલ અને વૉડાફૉન-આઈડિયાની ઘોષણા બાદ પોતાના ટેરિફ પ્લાન મોંઘા કરવાની ઘોષણા કરી છે.

જિઓએ આ પહેલા કહ્યું હતું કે જિઓ નેટવર્ક પર આઉટગોઈંગ અને ઈનકમિંગ કૉલની સરેરાશ બીજા કરતા વધારે છે. એપ્રિલ 2017માં જ્યારે આઈયૂસી લાગુ કરવામાં આવ્યો હતો ત્યારે જિઓની પાસે 90% આઉટગોઈંગ કોલ હતા અને ઈનકમિંગ કોલની સંખ્યા માત્ર 10% હતી. આ કારણે છે કે ટ્રાઈ BAK લાગુ કરવા માટે 31 ડિસેમ્બર, 2019ની ડેડલાઈન નક્કી કરવી પડી. તેવામાં કંપનીઓ માટે આઈયુસી ચાર્જ માર્કેટમાં સ્થિરતા લાવી શક્યા નથી અને ટેરિફ મોંઘા કરવા જરૂરી છે.

રિલાયન્સ જિઓએ એક નિવેદમાં જણાવ્યું કે, જેવું કે મીડિયા રિપોર્ટમાં જણાવાય છે, અમે સમજીયે છીએ કે, ટ્રાઇ ટેલિકોમ ટેરિફ મામલે કન્સલ્ટેશન પ્રોસેસ શરૂ કરવાના છીએ. અન્ય ઓપરેટર્સની જેમ અમે પણ સરકારની સાથે કામ કરીશું અને નિયામકીય બંધારણને મજબૂત કરીશું જેથી ભારતીય ગ્રાહકોના ફાયદા માટે ટેલિકોમ ઉદ્યોગ સશક્ત અને સક્ષમ બની શકે. આગામી કેટલાક સપ્તાહોમાં અમે ટેરિફના રેટ વધારીશું.

જો કે ક્યાં પ્લાનમાં કેટલાં રૂપિયા સુધીનું ટેરિફ વધારવામાં આવશે તે અંગે કંપનીએ કોઇ સ્પષ્ટ માહિતી આપી નથી. પણ રિલાયન્સ Jio બને તેટલું વહેલા તેના ટેરિફ વધારશે તે વાત સ્પષ્ટ છે.