નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસમાંથી રાજનેતા બનેલ રંગીલા ગર્લ ઉર્મિલા માંતોડકરે કોંગ્રેસ પાર્ટીને મોટો ઝાટકો આપતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાયેલ ઉર્મિલાએ હાર બાદ પાર્ટીની બગડતી સ્થિતિને જોતા રાજીનામું આપ્યું છે.


મુંબઈ કોંગ્રેસમાં અંદરોઅંદર જૂથવાદથી નારાજ ઉર્મિલાએ કહ્યું કે, મારી રાજનીતિક અને સામાજીક સંવેદનાઓ મોટા લક્ષ્ય મેળવવા માટે છે, પરંતુ મુંબઈ કોંગ્રેસની અંદરોઅંદરની રાજનીતને કારણે આવું નથી કરી શકતી.

ઉર્મિલા નોર્થ મુંબઈથી લોકસભા ચૂંટણી લડી હતી. તેને ભાજપના ગોપાલ શેટ્ટીએ 4.6 લાખ મતથી હરાવી હતી. ઉર્મિલાએ હાર બાદ મુંબઈ કોંગ્રેસના એ વખતના પ્રમુખ મિલિંદ દેવરાને એક પત્ર લખ્યો હતો. ઉર્મિલાએ એમનાં સિનિયર સાથી સંજય નિરુપમનાં જૂથની આકરી ટીકા કરી હતી.

એ પત્રમાં ઉર્મિલાએ નિરુપમના નિકટના સહયોગી સંદેશ કોંડવિલકર અને ભૂષણ પાટીલ પર આરોપ મૂક્યો છે કે એ બંનેએ પોતાને ચૂંટણીપ્રચારમાં સહાયતા કરી નહોતી. ઉર્મિલાએ દાવો કર્યો છે કે સ્થાનિક સ્તરે પાર્ટી નેતૃત્ત્વની નિષ્ફળતા અને મુંબઈ કોંગ્રેસમાં પરસ્પર તંગદિલીએ લોકસભા ચૂંટણી દરમિયાન પોતાનાં પ્રચારમાં અવરોધ પેદા કર્યા હતા.