નવી દિલ્હીઃ ચંદ્રની સપાટી પર પહોંચેલ વિક્રમ લેન્ડરનો હજુ સુધી સંપર્ક થઈ શક્યો નથી. ઈસરોએ આજે ટ્વીટ કરીને તેની જાણકારી આપી છે. ઈસરોએ ટ્વીટમાં કહ્યું કે, ચંદ્રયાન-2ના ઓર્બિટરે વિક્રમ લેન્ડર ક્યાં છે તે શોધી કાઢ્યું છે, પરંતુ તેનો સંપર્ક નથી થઈ શક્યો. ઈસરોએ લખ્યું, ‘લેન્ડર સાથે સંપર્ક કરવાનો દરેક શક્ય પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.’


સોમવારે અહેવાલ આવ્યા હતા કે વિક્રમ ચંત્રની સપાટી પર આડું પડ્યું છે અને તેને કોઈ નુકસાન થયું નથી. ઈસરાઓ જણાવ્યું હતું કે, ઓર્બિટરે જે તસવીર મોકલી છે, તેમાં વિક્રમનો કોઈ ટુકડો જોવા નથી મળ્યો. તેનો મતલબ એ છે કે વિક્રમને કોઈ નુકસાન નથી થયું. ત્યારે વૈજ્ઞાનિકોએ વિક્રમ સાથે ફરી સંપર્ક થવાની આશા વ્યક્ત કરી હતી.


નોંધનીય છે કે, 22 જુલાઈના રોજ લોન્ચ થયે ચંદ્રયાન-2 સતત 47 દિવસ સુધી તમામ અડચણોનો સામનો કરીને ચંદ્ર પર પહોંચી ગયું હતું. 6-7 સપ્ટેમ્બરે રાત્રે તેનું લેન્ડર વિક્રમે તેની અંદર રાખેલ રોવર પ્રજ્ઞાનની સાથે ચંદ્રની સપાટી પર ઉતરવાનું હતુ, પરંતુ માત્ર 2.1 કિલોમીટર દૂર હતું ત્યારે જ તે રસ્તો ભટકી ગયું અને તેનો ઈસરો સાથે સંપર્ક તૂટી ગયો. જોકે, ઈસરો સહિત તમામ વૈજ્ઞાનિક જગતનું કહેવું છે કે, ચંદ્રયાન-2એ પોતાનો 95 ટકા ટાર્ગેટ મેળવી લીધો છે. આ મિશનની સૌથી મોટી ઉપલબ્ધી એ છે કે ઓર્બિટર આગમી 7 વર્ષ સુધી ચંદ્રના ચક્કર લગાવતું રહેશે અને મહત્ત્વપૂર્ણ જાણકારી આપતું રહેશે.